મુંબઇગરા ગરમીથી ત્રાહિમામ: પારો ઉતર્યો પણ તકલીફ યથાવત
મુંબઇ: મુંબઇમાં ગઇ કાલે એટલે કે સોમવારે મહત્તમ તાપમાન સહેજ ઘટયું હતું જોકે ગરમીનો ત્રાસ યથાવત હતો. સીએસએમટી ખાતે આવેલ સ્વયં સંચાલિત કેન્દ્ર પર થયેલ નોંધ અનુસાર 41.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની નોંધ થઇ હતી. જેમે કારણે મુંબઇમા કેટલાંક સ્થળોએ ગરમી યથાવત રહી હતી.
સોમવારે સાંતાક્રુઝમાં 35.7 ડિગ્રી સેલ્સિયસ જ્યારે કુલાબામાં 2 ડિગ્રીથી મહત્તમ તાપમાન ઘટ્યુ હતું. જોકે મુંબઇના કેટલાંક સ્વયંસંચાલિત કેન્દ્ર પર મહત્તમ તાપમાનનો પારો વધ્યો હતો. સીએસએમટી ખાતે 41.1, વિદ્યાવિહારમાં 37.2, રામ મંદિર ખાતે 37.1, બાંદ્રામાં 38.1, ભાયંદરમાં 37.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. સૂર્યમા કિરણો છેક જમીન સુધી પહોંચતા હોવાથી વધારે ગરમી અનુભવાઇ હતી. જોકે સવારથી મુંબઇમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં પરસેવો પણ ઓછો આવી રહ્યો હતો.
જોકે તડકો દઝાડી રહ્યો હતો. સોમવારે સવારે મુંબઇમાં ક્યાંક ક્યાંક ઠંડો પવન ફૂંકાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. લઘુત્તમ તાપમાન સરેરાશથી વધ્યું હોવા છતાં રવિવારની સરખામણીમાં લઘુકત્તમ તાપમાન ઘટ્યું હતું. રવિવારે કોલાબામાં લઘુત્તમ તાપમાન 27 અને સાંતાક્રુઝમાં 26 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે કોલાબામાં 26.5 અને સાંતાક્રુઝમાં 25 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પ્રાદેશિક હવામાન વિભાગે આપેલ માહિતી મુજબ મંગળવારે અને બુધવારે મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સીયસ હોવાની શક્યતા છે.