મુંબઈમાં મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો આંતક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઑગસ્ટમાં મચ્છરોના કરડવાથી થતા મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં ધરખમ વધારો થયો છે. એ સાથે જ સ્વાઈનફ્લૂ, હેપેટાઈટીસ અને ગૅસ્ટ્રોના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે.
ચોમાસજન્ય બીમારીઓ કહેવાતા મલેરિયા, ડેન્ગ્યૂના કેસમાં ગયા વર્ષની ઑગસ્ટની સરખામણીમાં આ વર્ષે ઑગસ્ટમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં ઠેર-ઠેર ભરાઈ રહેતાં પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ વધવાને કારણે બીમારીમાં વધારો થયો હોય છે.
ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા બીમારી એડિસ મચ્છરોને કારણે થયા છે. હાલ છૂટાછવાયા પડતા વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે એડિસ મચ્છરોની ઉત્પત્તિ વધી ગઈ છે. એડિસ મચ્છરોની ઉત્પત્તિ થાય નહીં તે માટે નાગરિકોને તેમની આજુબાજુના પરિસરમાં પાણી ભરાઈ રહે નહીં તે માટે કાળજી લેવાની સલાહ પાલિકાએ આપી છે.
આ વર્ષે ઑગસ્ટમાં મલેરિયાના ૧,૧૭૧, ડેન્ગ્યૂના ૧,૦૧૩, ચિકનગુનિયાના ૧૬૪, લેપ્ટોસ્પાયરોસિસના ૨૭૨, ગૅસ્ટ્રોના ૬૯૪, હેપેટાઈટીસના ૧૬૯ અને સ્વાઈનફ્લૂના ૧૭૦ કેસ નોંધાયા છે. ગયા વર્ષે ઑગસ્ટમાં આ સમયે મલેરિયાના ૧,૦૮૦, ડેન્ગ્યૂના ૯૯૯, ચિકનગુનિયાના ૩૫, લેપ્ટોસ્પાયરોસિસના ૩૦૧, ગૅસ્ટ્રોના ૯૭૮, હેપેટાઈટીસના ૧૦૩ અને સ્વાઈનફ્લુના૧૧૬ કેસ નોંધાયા હતા.
આ દરમિયાન મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ઑગસ્ટમાં ૨૪,૦૧૬ ઈમારતો અને ૩,૯૧૦ ક્ધસ્ટ્રક્શન સાઈટની તપાસ કરવામાં આવી હતી. ૬૪,૬૨૮ મચ્છરના પ્રજનન સ્થળોની તપાસ કરી હતી, જેમાં ૪,૮૭૭ સ્થળે ઍનાફિલીસ મચ્છરોની ઉત્પત્તિના સ્થળ મળી આવ્યા હતા.
ડેન્ગ્યૂને નિયંત્રણમાં લાવવા માટે ૧૩,૦૩,૮૩૦ ઘરની અને ૧૪,૧૩,૨૩૪ ક્ધટેઈનરની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૮,૫૧૫ એડિસ મચ્છરોની ઉત્પત્તિના સ્થળ મળી આવ્યા હતા. આ દરમિયન ૨,૭૬૦ ટાયર કાઢી નાખવામાં આવ્યા હતા અને ૪૮,૩૫૯ બિલ્િંડગમાં તો ૭,૨૨,૭૭૯ ઝૂંપડાઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.