Mumbai Gold Rate: ઝવેરી બજારમાં આજે સોનાચાંદીના લેટેસ્ટ ભાવ શું છે જાણો?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધની ભીતિ સપાટી પર રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ 2947.11 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. તેમ જ ચાંદીમાં પણ મક્કમ વલણ રહ્યાના અહેવાલ હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 35 પૈસાના બાઉન્સબૅક સાથે ક્વૉટ થઈ રહ્યો હતો આમ રૂપિયો મજબૂત થતાં સોનાચાંદીની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 192ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 385ની પીછેહઠ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 385ના ઘટાડા સાથે રૂ. 97,181ના મથાળે રહ્યા હતા. વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયો મજબૂત થતાં આયાત પડતરોમાં થયેલા ઘટાડા ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 192 ઘટીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,194 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,541ના મથાળે રહ્યા હતા.
ટ્રમ્પની ટેરિફ નીતિ વૈશ્વિક ટ્રેડ વૉર તરફ દોરી જનારી હોવાથી આજે લંડન ખાતે સોના-ચાંદીમાં સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, જેમાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.5 ટકા વધીને ઔંસદીઠ 2945.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના હાજર ભાવમાં 12 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. તેમ જ આજે સત્રના આરંભે વાયદામાં સોનાના ભાવ 0.9 ટકા વધીને ઔંસદીઠ 2963.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને ઔંસદીઠ 32.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: સોનાચાંદીમાં નરમાઇ, સ્ટાન્ડર્ડ સોનું ₹ ૧૯૨ ગબડ્યુ
ટ્રમ્પની ટેરિફ નીતિ અને ફુગાવામાં વધારો થવા બાબતની અનિશ્ચિતતાઓને કારણે સલામતી માટેની માગને ટેકે સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ 3000 ડૉલર તરફ આગળ ધપી રહ્યા હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. ડૉનલ્ડ ટ્રમ્પે પ્રમુખપદનો હોદ્દો અખત્યાર કર્યા બાદ ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લાદવાની સાથે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદી હતી. વધુમાં ગઈકાલે (બુધવારે) તેમણે લમ્બર કાર, સેમિક્નડક્ટર અને ફાર્માસ્યુટિકલ પર ટેરિફ લાદવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
વધુમાં ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ટ્રમ્પની પ્રારંભિક ટેરિફ નીતિના પ્રસ્તાવોને ધ્યાનમાં લેતા ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવી હોવાથી હાલમાં વ્યાજદરમાં કપાત સ્થગિત રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે, આ વર્ષે અપેક્ષા કરતાં ઓછી વખત વ્યાજદરમાં કપાતની શક્યતા છતાં ટેરિફને કારણે ટ્રેડ વૉરને પગલે આર્થિક અનિશ્ચિતતાઓ વધવાની ભીતિ તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીને ટેકે રોકાણકારો સોનામાં સલામતી માટેની માગને ધ્યાનમાં લેતાં તેજીનું ધ્યાન રાખી રહ્યા છે.