મુંબઈગરાને વિસર્જન માટે નથી ગમતાં કૃત્રિમ તળાવો: માત્ર 82,000 મૂર્તિનાં એમા વિસર્જન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષની માફક આ વર્ષે પણ પર્યાવરણને અનુરૂપ ગણેશમૂર્તિઓના વિસર્જન થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ 204 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી હતી, પરંતુ ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન આ કૃત્રિમ તળાવોમાં કુલ 82,005 ગણેશમૂર્તિઓના વિસર્જન થયા હતા. તેની સામે ગયા વર્ષે 198 કૃત્રિમ તળાવોમાં 92,240 મૂર્તિઓના વિસર્જન થયા હતા. ગયા વર્ષની સરખામણીમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવેલી ગણેશમૂર્તિની સંખ્યામાં લગભગ 10,000 જેટલો વધારો થયો છે.
ગણેશોત્સવ દરમિયાન દોઢ દિવસથી અનંત ચતુર્દશી સુધી મૂર્તિઓના વિસર્જન માટે સુધરાઈએ 69 નૈસર્ગિક વિસર્જન સ્થળ સહિત કુલ 204 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી હતી. આ તમામ કૃત્રિમ તળાવોમાં દસ દિવસ દરમિયાન ઘરની તથા સાર્વજનિક મંડળની કુલ 82,005 ગૌરીની અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળના 1,447 અને 77,874 ઘરની તેમ જ 2,574 હરતાલિકા અને ગૌરીની મૂર્તિનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે કુલ 198 ઠેકાણે કૃત્રિમ તળાવ બાંધવામાં આવ્યા હતા. તેમાં કુલ 76,708 ગણેશ મૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં સાર્વજનિક મંડળોના 1,904 અને 72,240 ઘરની ગણેશમૂર્તિનો સમાવેશ થાય છે. એ અગાઉ ૨૦૨૨માં ગણેશોત્સવ દરમિયાન કૃત્રિમ તળાવમાં ઘરના તેમ જ સાર્વજનિક એમ કુલ 63,807 ગણેશમૂર્તિના તો 2021ના ગણેશોત્સવમાં 75,890 ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા.
સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મૂર્તિમાં ઘટાડો
આ વર્ષના ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મૂર્તિની સંખ્યામાં ઘટાડો જણાયો છે. ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન 10,501 સાર્વજનિક ગણેશમૂર્તિના વિસર્જન થયા હતા, તેની સામે આ વર્ષે આ પ્રમાણ ઘટીને 10,369 જેટલું થઈ ગયું છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મૂર્તિમાં 132નો ઘટાડો જણાયો છે. આ વર્ષે 11 દિવસના ગણેશોત્સવ દરમિયાન ગૌરી સહિત કુલ ગણેશમૂર્તિના વિસર્જનનો આંકડો 2,09,021 છે, જેમાં ગૌરી અને હરતાલિકાની સંખ્યા 6,758 છે, તો ઘરના ગણપતિની સંખ્યા 1,91,894 છે અને સાર્વજનિક ગણેશમંડળોની મૂર્તિની સંખ્યા 10,369 છે.