Top Newsઆમચી મુંબઈ

આરે, વાકોલા અને વિક્રોલી ફ્લાયઓવર પરના રસ્તાનું રિસર્ફેસિંગ કરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અખ્તયાર હેઠળ આવતા મુંબઈના મહત્ત્વના ફ્લાયઓવર પરના રસ્તાનું ડામર નીકળી જતા વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ બાદ આ ફ્લાયઓવર પરના રસ્તા પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ડામર નાખવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદ સહિત અન્ય કારણોથી મુંબઈના રસ્તાઓની સાથે જ ફ્લાયઓવર પર ખાડા પડવાથી અને રસ્તા પરનું ડામર નીકળી જવાને કારણે વાહનચાલકોને ભારે અડચણ થઈ હતી. ચોમાસું પૂરું થયા બાદ પણ અનેક ફલાયઓવર પર હજી પણ સમસ્યા કાયમ છે. વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર સમસ્યા વધી ગઈ છે, તેને કારણે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આરે, વાકોલા અને વિક્રોલી ફ્લાયઓવર પરના રસ્તાનું ડામર નીકળી જવાની ગંભીર સમસ્યા નિર્માણ થઈ છે.

રવિવારે મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી, મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન સહિત જુદી જુદી ઓથોરિટી, મ્હાડા, ટ્રાફિક પોલીસ, એસઆરએ સહિતની એજેન્સીના અધિકારી સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તથા ઉત્તર મુંબઈના સાંસદની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

એ દરમ્યાન તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન હેઠળ આવતા આ ત્રણેય ફલાયઓવરનું રિસર્ફેસિંગ કરવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો હતો. એ સાથે જ પીક અવર્સમાં અહીં થતા ટ્રાફિક જૅમની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસે વધારાનું મનુષ્ય બળ તહેનાત કરવાનો નિર્ણય પણ આ સમયે લેવામાં આવ્યો હતો. તેમ જ પીકઅવર્સમાં મુંબઈમાં મહત્ત્વના રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્દેશ કેન્દ્રીય પ્રધાને આપ્યો હતો.

રવિવારે થયેલી બેઠક દરમ્યાન મેન્ગ્રોવ્ઝવાળા વિસ્તારમાં અતિક્રમણ કરનારા વિરુદ્ધ મેનગ્રોન્ઝ કંટ્રોલ, મુંબઈ કલેકટર ઓફિસ તથા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ કેન્દ્રીય પ્રધાને આપ્યો હતો.
કેન્દ્રીય પ્રધાને રવિવારે બેઠક બાદ જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧૦ તળાવને પુર્નજીવિત કરીને તેનું સૌંદર્યીકરણ કરવામાં આવવાનું છે, તે માટે વિગતવાર પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આાવ્યો છે.

માહુલ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન ઊભો કરવાનું કામ ઝડપી ગતીએ ચાલી રહ્યું છે અને બહુ જલદી દહિસર નદી અને પોઈસર નદીના કાંઠા પર સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવાનું કામ હાથ ધરવાની પાલિકાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button