આ ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર,૨૫ સુધીમાં પૂર્ણ થશે...
Top Newsઆમચી મુંબઈ

આ ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર,૨૫ સુધીમાં પૂર્ણ થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: તાડદેવ,નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડતો આગામી કેબલ સ્ટેડ બેલાસિસ ફ્લાયઓવરનું કામ તેના શેડ્યુલ કરતા આગળ ચાલી રહ્યું હોઈ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં તેનુંં કામ પૂર્ણ થવાની અપેક્ષા છે ત્યારે વિદ્યા વિહાર, સાયન અને મહાલક્ષ્મી ખાતેના અન્ય ફ્લાયઓવરનું કામ પૂરું થવામાં હજી એક વર્ષનો સમય લાગવાનો છે.

એડિશનલ કમિશનર અભિજિત બાંગરે મંગળવારે પાલિકાના મુખ્યાલયમાં હાલ ચાલી રહેલા પ્રોેજેક્ટની વર્તમાનમાં પરિસ્થિતિ સંદર્ભમાં એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જોઈન્ટ કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારે, બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પાલિકા તથા મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં અભિજિત બાંગરે રેલવે અધિકારીઓ સાથે સંકલન રાખવા પર ભાર મૂક્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે તમામ પ્રોજેક્ટને આયોજનબદ્ધ રીતે સમયસર પૂરા કરવામાં આવે અને નિર્ધારીત કરેલી સમયમર્યાદાનું પાલન કરવામાં આવે.
સાયન પૂર્વ-પશ્ર્ચિમને જોડનારા રેલવે ઓવરબ્રિજને ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં તોડી પાડવા માટે બંધ કરવામાં આવ્યો હતો પણ તેનું કામ હજી ધીમું ચાલી રહ્યું છે.

અધિકારીના જણાવ્યા મુજબ રેલવે દ્વારા દક્ષિણ બાજુએ ફૂટઓવર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. શરૂઆતમાં ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય હતું પણ આ પ્રોજેક્ટમાં ભારે વિલંબ થયો છે. રેલવે અધિકારીઓએ હવે ૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ સુધીમાં આ બ્રિજનું કામ પૂરુંં થવાની ખાતરી આપી છે.

ફૂટઓવર બ્રિજનું કામ પૂરું થયા પછી સાયન બ્રિજના હાલના માળખાને તોડી પાડવાનું કામ આગળ વધશે. રેલવે પ્રશાસનને બાકી રહેલા તમામ કામ ઝડપી બનાવવા અને વધુ વિલંબ થતો અટકાવવા માટે આવશ્યક પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

વિદ્યાવિહાર રેલવે સ્ટેશનનું કામ ૩૧મે, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પૂર્વ બાજુનું કામ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂરું થશે, જ્યારે પશ્ર્ચિમ બાજુનું બાંધકામ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપીને તેમનું પુનર્વસન કર્યા પછી શરૂ થશે, જે વોર્ડ ઓફિસ દ્વારા આગામી ૧૫ દિવસમાં પૂરું કરવામાં આવશે. પશ્ર્ચિમ તરફનું બાકીનું કામ પુનર્વસન પછી પાંચ મહિનામાં પૂરું કરવામાં આવશે.

પાલિકા દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક હળવો કરવા માટે મહાલક્ષ્મીમાં બે નવા પુલ બાંધી રહી છે. કેશવરાવ ખાડયે માર્ગ પર શહેરનો પહેલો રેલવે ટ્રેક પર કેબલ સ્ટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કેબલ સ્ટેડ પુલને આધાર આપવા માટે ૭૦ મીટર ઊંચા પાયલૉન (મોટા થાંભલા) ઊભા કરવામાં આવી રહ્યા છે.

જેનું કામ જાન્યુઆરી ૨૦૨૬માં પૂરું કરવામાં આવશે. કેબલ સ્ટેડ પુલ માટે પૂર્વ બાજુમાં રેલવે ભાગ ૧૬૦ મીટરના સ્પાનનું કામ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે, જે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. તો પશ્ર્ચિમમાં ૯૦ મીટરના સ્પાનનું ડિસેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં કામ પૂરું થશે. એ સાથે જ પુલના અપ્રોચ રોડનું કામ ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો…મોનો રેલ અનિશ્ર્ચિત કાળ માટે બંધ: એમએમઆરડીએની જાહેરાત

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button