આમચી મુંબઈ

૨૫/૯ની વરસાદી આફતનું પોસ્ટમાર્ટમ

૨૦૦ મિ.મી. વરસાદ અને ચૉક-અપ થયેલાં નાળાં કારણભૂત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં પડેલા મુશળધાર વરસાદને પગલે રેલવે ઠપ થઈ જતા ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન થાય નહીં માટે ઉપાયયોજના પર ચર્ચા કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે રેલવે સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. બેઠકનો ઉદ્દેશ્ય રેલવે પાટા પર કયા કારણથી પાણી ભરાઈ ગયાં હતાં તે બાબતે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકવા માટે શું પગલાં લેવા તેના પર વ્યૂહરચના વિકસાવવાનો હતો.

ગયા અઠવાડિયામાં મુખ્યત્વે રેલવે ટ્રેક પર ભરાયેલાં પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મધ્ય સહિત હાર્બર લાઈનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ યાર્ડ, ભાંડુપ, વિદ્યાવિહાર સહિત સાયન-માટુંગા, વિક્રોલી-કાંજુરમાર્ગ, શિવડી-વડાલા, કુર્લા, કુર્લા- માનખુર્દ, ગુરુ તેગ બહાદુર નગર-ચુનાભટ્ટી, કુર્લા-તિલક નગરમાં પાટા પર પાણી જતા રેલવે ઠપ થઈ ગઈ હતી.

મુંબઈમાં પચીસ સપ્ટેમ્બર, બુધવારે પડેલા મુશળધાર વરસાદ બાદ મધ્ય રેલવેના ટ્રેક પર પાણી ભરાઈ જતા કલાકો સુધી મધ્ય રેલવે ખોરવાઈ જતા લાખો મુંબઈગરા બેહાલ થઈ ગયા હતા. બુધવારે સાંજે બેથી ત્રણ કલાકની અંદર જ શહેરમાં ૨૦૦ મિલીમીટર સુધીનો ભારે વરસાદ પડી ગયો હતો, તેને કારણે મધ્ય સહિત હાર્બર લાઈનના અનેક સ્ટેશનોના રેલવે ટ્રેક પાણી નીચે ડૂબી જતા રેલવે કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.

બુધવારના બનાવ બાદ સુધરાઈ સહિત રેલવે પ્રશાસનને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન થાય નહીં તે માટે પાલિકા મુખ્યાલયમાં સોમવારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રેલવે અધિકારીઓ, પાલિકાના બ્રિજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સહિત રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામેલ હતા.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ચોક્કસ વિસ્તારોમાં રેલવે ટ્રેકની નીચે આવેલા નાળાઓ સાંકડા છે, તેથી આ નાળાઓને પહોળા કરવા માટે રેલવે વિભાગને વિનંતી કરવામાં આવી છે. કેટલાક જરૂરી કામ માટે સુધરાઈએ આપેલા ભંડોળમાંથી રેલવે ખર્ચો કરશે તો અમુક કામ પાલિકાએ પૂરા કરશે. બેઠક દરમિયાન રેલવે અધિકારીઓેએ પાલિકાનું ધ્યાન દોર્યું હતું કે વિક્રોલીમાં હરિયાલી નાળું અને સંતોષીમાતા નાળામાં પાણી ચૉક-અપ થઈ જતા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયાં હતાં. આ રેલવે સેકશનમાં નાળાને પહોળા કરવામાં ત્યાં રહેલા ઝૂંપડાઓ આડે આવી રહ્યા છે. જયાં સુધી અહીંથી તે હટશે નહીં ડ્રેનેજ સિસ્ટમનું વિસ્તરણ કરી શકાશે નહીં.

અભિજિત બાંગરે વધુમાં જણાવ્યું હતું કે સુધરાઈ સૂચિત કામોની યાદી તૈયાર કરશે અને વધુ વિલંબ નહીં કરતા ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેશે અને આગામી ચોમાસા પહેલા આ પ્રોજેક્ટનુંં કામ ઝડપથી પૂરું થાય તેવા પ્રયાસ કરશે.



આખું વર્ષ પાટાઓની સફાઈ કરો
બેઠક દરમિયાન કમિશનર ભૂષણ ગગરાણીએ રેલવે ટ્રેકની નીચે આવેલા તથા તેની બાજુમાં આવેલા નાળાઓની અને ચેનલોની સફાઈની સહિત તેમને પહોળા કરવા તેમ જ રેલવે ટ્રેક અને કલ્વર્ટની સફાઈ સહિત તેની જાળવણીના કામ ફકત ચોમાસા પહેલા અને તે બાદ પૂરતા ન રાખતા આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તેના પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

હિંદમાતા કેમ જળબંબાકાર થયું?
સુધરાઈએ બે વર્ષ પહેલા હિંદમાતામાં પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે ૧૧૦ કરોડ રૂપિયાના ખર્ચે પહેલી વોટર ટેન્ક બાંધી હતી. ગયા અઠવાડિયે બુધવારે પડેલા મુશળધાર વરસાદ દરમિયાન હિંદમાતા જળબંબાકાર થઈ ગયું હતું. તેથી કરોડો રૂપિયા ખર્ચીને બાંધેલી વોટર ટેન્ક સામે જ પ્રશ્ર્ન નિર્માણ થઈ ગયો છે. ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે કલાકના પંચાવન મિલીમીટર સુધી વરસાદ પડે તો જ આ ટેન્ક કામની છે.

આ ટેન્ક સુધી પાણી પહોંચાડનારા પંપથી લઈને અન્ય સિસ્ટમની ક્ષમતા કલાકના પંચાવન મિલીમીટર સુધી વરસાદની જે છે. જયારે ગયા અઠવાડિયામાં કલાકમાં અમુક જગ્યાએ ૧૦૦ મિલીમીટર તો અમુક જગ્યાએ ૨૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડયો હતો, જેમાં દાદરમાં કલાકના ૧૦૦ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. તેથી પંપમાં પાણી પહોંચાડનારા પંપની લઈને પાઈપલાઈન સુધીની સિસ્ટમ પાણીના ફોર્સનું વહન કરી શકી નહોતી અને હિંદમાતા જળબંબાકાર થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button