પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…
પહેલા ૩૮૬ જગ્યાએ પાણી ભરાતાં હતા, પણ આ વર્ષે સંખ્યા વધીને ૪૫૩ થઇ છે

મુંબઈ: મુંબઈમાં વરસાદમાં પાણી ભરાવાની જગ્યા ઓછી થવાના બદલે વધી ગઇ છે. ગયા વર્ષે મુંબઈમાં આવા પૂરગ્રસ્ત વિસ્તારો ૩૮૬ હતા તે હવે વધીને ૪૫૩ થયા છે. ગયા વર્ષે આમાંથી ૬૦ જગ્યા પર નિયંત્રણ મેળવવામાં આવ્યો નહોતો, હવે તેમાં વધારો થયો છે અને નિયંત્રણ મેળવવામાં આવ્યો ન હોવાના વિસ્તારોની સંખ્યા ૮૬ થઇ ગઇ છે. તેથી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પાણી ભરાવાની જગ્યામાં ૧૬નો વધારો થયો છે. તેથી પાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું જણાઇ રહ્યું છે.
મુંબઈમાં ગયા વર્ષે ૩૮૬ પૂરગ્રસ્ત વિસ્તારો જણાઇ આવ્યા હતા જેમાંથી ૩૨૬ વિસ્તારની પૂરની સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી જ્યારે ૬૦ જગ્યાએ પ્રયાસ નિષ્ફળ ગયા હતા. આ વર્ષે પાલિકાએ પૂરગ્રસ્ત વિસ્તારોની સંખ્યા વધીને ૪૫૩ પર પહોંચી ગઇ છે અને તેમાંથી ૩૬૯ પર નિયંત્રણ મેળવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. તેથી હજી પણ મુંબઈમાં ૮૬ એવી જગ્યા છે જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ છે. પાણી ભરાય નહીં તે માટે પાલિકા, રેલવે, નૌકાદળ સાથે મળીને કામ કરતા હોય છે, પરંતુ ઘણી વખત તેમનામાં સમન્વયનો અભાવ જણાય છે.
પાણી શા માટે ભરાતા હોય છે?
મુંબઈમાં રસ્તાઓનું કામ, ખાડા ભરવાનું કામ ચાલતું હોય છે જેને કારણે જમીનની ઊંચાઇમાં વધારો થતો હોય છે. તેથી મુંબઈમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની જગ્યા નિર્માણ થઇ છે. ઘણી જગ્યાએ કુદરતી રીચે નીચાણવાળી હોવાથી પણ પાણી ભરાતા હોય છે. કેટલીક વાર વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનોમાં ગળતરને કારણે પણ પાણી ભરાતું હોય છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને પાલિકા પંપ લગાવીને પાણીનો નિકાલ લાવે છે.