આમચી મુંબઈ

ગેરકાયદે પાર્કિંગને કારણે ફાયરબ્રિગેડની કાર્યવાહીમાં અવરોધ નિર્માણ કરનારા વાહનધારકો સામે પોલીસમાં ગુનો નોંધાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સાંકડી ગલી અને રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કરવાને કારણે અનેક વખત આગ જેવી દુર્ઘટના સમયે ઘટનાસ્થળે ફાયરબિગ્રેડ સમયસર પહોંચી શકતી નથી. ગેરકાયદે પાર્કિંગને કારણે ફાયરબ્રિગેડની કામગીરીમાં અવરોધ નિર્માણ થતો હોવાનું જણાઈ આવ્યા બાદ આગ સહિત અન્ય ઈમરજન્સી સમયે ઘટના સ્થળે ફાયરબ્રિગેડને પહોંચવામાં અવરોધ નિર્માણ કરનારા સંબંધિત વાહનના માલિકો સામે મુંબઈ પોલીસમાં ગુનો નોંધવામાં આવશે.

મુંબઈ ફાયરબ્રિગેડ ફક્ત આગ બુઝાવવાની જ નહીં પણ નાગરિકો સહિત પાણી અને પક્ષીઓના જીવ બચાવવાનું પણ કામ કરે છે. આગની દુર્ઘટના સહિત અન્ય નૈસર્ગિક અને માનવનિર્મિત આપત્તીથી સંરક્ષણ પણ કરે છે.

દુર્ઘટના સમયે ફાયરબ્રિગેડ પોતાના વાહનો સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે સમયસર પહોંચે તે આવશ્યક હોય છે પણ છેલ્લા અનેક વર્ષોથી એવું જણાઈ આવ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકામાં રસ્તા પર ગમે ત્યાં નાગરિકો દ્વારા અનેક પ્રકારના વાહનો ગેરકાયદે રીતે પાર્ક કરવામાં આવતા હોય છે. આ પ્રકારેે વાહનો ગમે ત્યાં મૂકવાને કારણે પ્રત્યક્ષ દુર્ઘટના સ્થળે તાત્કાલિક પહોંચવા ફાયરબિગ્રેડને અનેક અવરોધ આવતા હોય છે અને સમયસર રેસ્કયુ માટે પહોંચી નહીં શકવાને કારણે જીવ અને વિત્ત હાનિનું પ્રમાણ વધવાની શકયતા હોય છે.

મુંબઈમાં અનેક જગ્યાએ રસ્તા પર ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે અને તેને કારણે ફાયરબિગ્રેડને અવરોધ નિર્માણ થઈ રહ્યો હોવાની ફરિયાદ બાદ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસન ભૂષણ ગગરાણીએ સંબંધિત કાર્યવાહી બાબતે સોમવારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.

આ બાબતે ઉચ્ચ અઘિકારીઓ સાથે ચર્ચા બાદ તેમણે નિર્દેશ આપ્યો હતો કે ભવિષ્યમાં વાહનોને કારણે ફાયરબ્રિગેડને આવી અડચણનો સામનો કરવો પડયો તો બચાવ કામગીરી પૂરી થયા બાદ ફાયરબ્રિગેડના અધિકારી-કર્મચારીઓ બચાવકાર્યમાં અડચણ નિર્માણ કરનારા વાહનોના રજિસ્ટ્રેશન નંબર સહિત ફોટો કાઢીને સિનિયર અધિકારીઓની મંજૂરી બાદ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી શકશે. તેથી ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ લાગીને નાગરિકોમાં જાગૃતિ નિર્માણ થશે અને ફાયરબ્રિગેડની કાર્યવાહી ઝડપી થશે.

ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર રવિન્દ્ર અંબુલગેકરે જણાવ્યું હતું કે પાલિકાની કાર્યવાહીને કારણે મુંબઈના નાગરિકો તરફથી ગેરકાયદે પાર્કિંગ બાબતે મુંબઈ ફાયરબ્રિગેડને ફરિયાદ આવવાની શકયતા છે. તે બાબતે પાલિકા પ્રશાસને સિસ્ટમ નક્કી કરી છે, તે મુજબ ગેરકાયદે પાર્કિંગ બાબતે નાગરિકોએ ફરિયાદ કરી તો સંબંધિત ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ અને સંબંધિત વોર્ડ ઓફિસમાં યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button