મોંમાં કાગળનો ડૂચો ભરી નવ વર્ષના,પુત્રની હત્યા: પિતાની ધરપકડ

થાણે: નશામાં ચૂર પિતાએ નવ વર્ષના પુત્રના મોંમાં કાગળનો ડૂચો ભરી તેની મારી નાખ્યો હોવાની આંચકાજનક ઘટના થાણે જિલ્લાના કસારા નજીક બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી હતી.
પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે શાહપુર તાલુકાના કસારા સ્થિત વશલા પરિસરમાં બની હતી. આરોપી વારંવાર નિવેદન બદલતો હોવાથી ગુનો આચરવા પાછળનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
આ પણ વાંચો : કાજોલની કો સ્ટારે કરી આત્મહત્યા, ઘરમાંથી મળી સડેલી લાશ
ઘરેલુ વિવાદને પગલે આરોપી અને તેની પત્ની અલગ રહેતાં હતાં, જ્યારે પુત્ર માતા સાથે રહેતો હતો. સોમવારે પુત્ર માતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ આસપાસના પરિસરમાં શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે 8 વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ તેના પિતાના ઘર નજીકથી મળી આવ્યો હતો. રાહદારીની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકના મોઢામાં પેપરનો ડૂચો ભરેલો નજરે પડ્યો હતો અને તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પત્ની અલગ રહેવા જતી રહેતાં આરોપી સતત દારૂના નશામાં રહેતો હતો.
આરોપી સોમવારની રાતે પણ દારૂના નશામાં હતો. તેણે નોટબુકનાં પાનાં ફાડી તેનો ડૂચો પુત્રના મોંમાં ભર્યો હશે, જેને કારણે બાળકનું મૃત્યુ થયું હશે. મૃતકના સગાની ફરિયાદને આધારે મંગળવારની રાતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)