એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ: કોન્સ્ટેબલે ‘દાઢીવાળા’ શખસને બે વાર ગોળી મારી: સાક્ષીદાર

મુંબઈ: જુલાઇ, 2023માં એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફ કોન્સ્ટેબલે ચાર વ્યક્તિની કરેલી હત્યાના કેસમાં મહિલા સાક્ષીદારે સોમવારે મુંબઈની કોર્ટેને જણાવ્યું હતું કે આરોપીએ બે વાર ગોળી માર્યા બાદ તેણે લોહીલુહાણ હાલતમાં ‘દાઢીવાળા’ શખસને જોયો હતો.
ફાયરિંગના દિવસે પોતાની ફ્રેન્ડ સાથે ટ્રેનમાં પ્રવાસી કરી રહેલી 29 વર્ષના સાક્ષીદારે તેની નજર સામે થયેલા જીવલેણ હુમલા અંગે કોર્ટને જણાવ્યું હતું.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી પર 31 જુલાઇ, 2023ના રોજ જયપુર-મુંબઇ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પાલઘર સ્ટેશન નજીક આસિસન્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ટિકા કામ મીના અને અન્ય ત્રણ પ્રવાસીને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. આ ઘટનાના થોડા સમય બાદ ચેતનસિંહને ટ્રેક નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારથી તે જેલમાં છે. તેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહિલા આરપીએફની સૂજબૂજથી ગર્ભવતી મહિલાનો બચ્યો જીવ, સ્ટેશન પર જ કરાવી પડી ડીલિવરી…
બોરીવલીની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ વા.બી. પઠાણ સમક્ષ હાજર કરાયેલી સાક્ષીદારે કહ્યું હતું કે તે વહેલી સવારે 5.30 વાગ્યે જાગી ત્યારે પેન્ટ્રી કારમાંથી બહાર દોડી આવતી એક વ્યક્તિને તેણે જોઇ હતી. તેની પાછળ આરપીએફ કોન્સ્ટેબલ હતો.
‘મેં આરપીએફ કર્મચારી (ચૌધરી)ને પૂછ્યું હતું કે શું થયું છે. તેણે ગુસ્સાથી મારી તરફ જોયું અને હું ચૂપચાપ મારી સીટ પર બેસી ગઇ હતી.
મહિલાએ કહ્યું હતું કે તેની ફ્રેન્ડ વૉશરૂમ જવા માગતી હતી, પણ આરપીએફ કોન્સ્ટેબલ નજીકમાં ઊભો હતો. મેં કોન્સ્ટેબલને ત્યાંથી હટવા માટે કહ્યું ત્યારે તેણે મારી ફ્રેન્ડ તરફ જોયું અને બાદમાં અમને અમારી સીટ પર પાછા ફરવાની ફરજ પાડવામાં આવી.
સાક્ષીદારે કહ્યું હતું કે બે વાર તેમના કોચમાં ફર્યા બાદ આરોપી એક દાઢીવાળા શખસ પાસે ગયો હતો અને તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે (ચૌધરી) બાદમાં એ શખસને બે વાર ગોળી મારી હતી અને પોતે એ શખસને લોહીલુહાણ હાલતમાં જોયો હતો.
(પીટીઆઇ)