મુંબઈમાં એન્જિનિયરે અટલ સેતુ પરથી છલાંગ લગાવી, સ્યુસાઇડનો વીડિયો આવ્યો સામે

મુંબઈમાં આર્થિક તંગીના કારણે તણાવથી પીડાતા 38 વર્ષીય એન્જિનિયરે બુધવારે બપોરે અટલ બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.
મળતી માહિતી મુજબ ડોમ્બિવલીના રહેવાસી કે. શ્રીનિવાસે બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (જે અટલ સેતુ તરીકે જાણીતું છે)ના ન્હાવા શેવા છેડે તેમની કાર પાર્ક કર્યા બાદ દરિયામાં ઝંપલાવી દીધું હતું. શ્રીનિવાસે આ પગલું ભર્યાના થોડા કલાકો પહેલા તેની પત્ની અને ચાર વર્ષની પુત્રી સાથે ફોન પર વાત કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વ્યક્તિ બ્રિજ પર કાર રોકે છે અને પછી બ્રિજ પર ચડીને દરિયામાં કૂદી પડે છે.નવી મુંબઈ પોલીસે અટલ સેતુ બચાવ ટીમ, દરિયાકાંઠાની પોલીસ અને સ્થાનિક માછીમારોની સાથે મળીને તેની શોધ શરૂ કરી દીધી છે.
શ્રીનિવાસના પરિવારના જણાવ્યા અનુસાર શ્રીનિવાસ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. અગાઉ તેમણે 2023 માં કુવૈતમાં કામ કરતી વખતે ફ્લોર ક્લિનિંગ પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઇના અટલ બ્રિજ પરથી સ્યુસાઇડ કરવાનો આ બીજો કિસ્સો બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં 20 માર્ચના રોજ થાણેની 43 વર્ષીય મહિલા ડૉક્ટરે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેના ઘરેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ખુલાસો થયો હતો કે મહિલા વ્યવસાયે ડૉક્ટર હતી અને ડિપ્રેશનથી પીડિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. તે મુંબઈના પરેલ વિસ્તારમાં દાદાસાહેબ ફાળકે રોડ પર આવેલી નવીન આશા બિલ્ડિંગમાં તેના પિતા સાથે રહેતી હતી.