આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું સુરસુરિયું ટ્રાફિકમાં રાહત આપનારો મહત્ત્વનો પ્રોજેક્ટ રદ…

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવા માટે ઈસ્ટર્ન ફ્રીવે પર ઓરેન્જ ગૅટથી ગ્રાન્ટ રોડ વચ્ચે સાડા પાંચ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) તરફથી ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈન દરમ્યાન ટનલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ ચાલુ છે. સુધરાઈનો પ્રોજેકટ આ પ્રોજેક્ટને સમાંતર હોવાથી રાજ્ય સરકારની સૂચના બાદ પાલિકાએ એલિવેટેડનો પ્રોજેક્ટ રદ કરવો પડયો હોવાનું માનવામાં આવે છે.

ઈસ્ટર્ન ફ્રીવેથી ગ્રાન્ટ રોટ સ્ટેશન પરિસરમાં આ લગભગ ૫.૫૬ કિલોમીટર લંબાઈના અંતર માટે હાલ ૩૦થી ૫૦ મિનિટનો સમય લાગે છે. ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે પાલિકાએ દક્ષિણ મુંબઈના પી.ડિમેલો રોડ પરના ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધી એલિવેટેડ રોડ બાંધવાનો નિર્ણય લીધો હતો. ૧,૩૩૦ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ માટે ટેન્ડર કાઢયા બાદ ઓછી બોલી લગાવનાર કંપનીને પસંદ પણ કરવામાં આવી હતી. ૪૨ મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પણ હવે આ કામ રોકી દેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એમએમઆરડીએ તરફથી ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટ્વીન ટનલ તૈયાર કરવામાં આવવાની છે. હાલ ૧૦ ટકા કામ થયું છે. ઈસ્ટર્ન ફ્રીવેથી સ્પીડે આવનારા અને આગળ મરીન ડ્રાઈવની દિશામાં જનારા વાહનોને ઓરેન્જ ગેટથી જ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. તેથી ટ્વીન ટનલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાલિકાના એલિવેટેડ રોડને સમાંતર ટ્વીન ટનલ પ્રોજેક્ટ હોવાથી આ બંનેમાંથી કોઈ એક પ્રોજેક્ટને રદ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. એલિવેટેડ રોડ અત્યંત ગીચ રોડમાંથી પસાર થવાનો હોવાથી તેમાં અનેક અડચણો પણ આવવાની શક્યતાને પગલે પાલિકાએ આખરે પોતાનો પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button