ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા સુધરાઈ બેટરી સંચાલિત ડસ્ટ સકશન વાહનો ખરીદશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણને ઘટાડવામાં મદદરૂપ થઈ રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ બેટરી સંચાલિત ડસ્ટ સકશન વાહનોની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. લગભગ ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે આ વાહનોની ખરીદી કરવામાં આવવાની છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા જુદા જુદા વિકાસ કામ સહિત ક્ધસ્ટ્રકશનના કામમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, તેને કારણે મુંબઈમાં પ્રદૂષણનું મુખ્યત્વે ધૂળનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ડસ્ટ સક્શન વાહનો ઉપયોગી સાબિત થશે.
વર્ષના અંત સુધીમાં ૧૨ વાહનો પાલિકાને મળે એવી સંભાવના છે. બેટરી સંચાલિત વાહનોની ઉપર ડસ્ટ સકશન મશીન હોય છે, તેમાં હવે સ્પ્રિંકલર પણ ઉમેરવામાં આવશે. આ મશીનો મુખ્યત્વે બાન્દ્રા-કુર્લા કૉમ્પેક્સ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કે જયાં વાહનોની અવરજવર વધુ હોય છે ત્યાં ઊભા કરવામાં આવશે.
નોંધનીય છે કે મુંબઈમાં ૨૦૨૩ની સાલમાં ધૂળનું પ્રમાણ વધી જતા પાલિકાએ મુંબઈ એર પોલ્યુશન મિટિગેશન પ્લાન (ગાઈડલાઈન) બહાર પાડી હતી, જે હેઠળ મુંબઈમાં પ્રદૂષણ માટે મુખ્યત્વે રસ્તાની ધૂળ, વાહનોમાંથી નીકળતો ઘુમાડો, કચરો બાળવો અને રસ્તાની આજુબાજુ ઊભા રહેતા ખાવા-પીવાની દુકાનો તથા બેકરીઓમાંથી નીકળતા ધુમાડાને જવાબદાર ગણવામાં આવ્યા હતા.