ઇન્કમ ટેક્સ ઓફિસરના સ્વાંગમાં વૃદ્ધા સાથે 1.15 કરોડની છેતરપિંડી

મુંબઈ: ઇન્કમ ટેક્સ ઓફિસરના સ્વાંગમાં સાયબર ગુનેગારોએ 70 વર્ષની વૃદ્ધા સાથે છ વર્ષમાં 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
વરલી વિસ્તારમાં રહેનારી વૃદ્ધાએ દાદર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
ફરિયાદી વૃદ્ધાને મે, 2019માં મહિલાનો કૉલ આવ્યો હતો. પોતે ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાનો દાવો કરનારી મહિલાએ વૃદ્ધાને જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ વિભાગ તમારા મૃત પતિના રૂપિયા પાછા આપવા માગે છે. પતિના પૈસા પાછા મેળવવા માટે ‘પેન્ડિંગ’ ટેક્સ તથા વિવિધ દંડ ચૂકવી દેવાનું વૃદ્ધાને કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ‘આમદની અઠ્ઠની ઔર નોટિસ કરોડો કી’ 15 હજાર કમાતા વ્યક્તિને ઇન્કમ ટેક્સે આપી 33 કરોડની નોટિસ
મહિલાની વાત પર વિશ્ર્વાસ રાખીને વૃદ્ધાએ તેને આપવામાં આવેલા બૅંક ખાતાંમાં રૂપિયા ડિપોઝિટ કરી દીધા હતા.
વૃદ્ધાએ છેલ્લાં છ વર્ષમાં પચાસ વ્યવહારોમાં 1.15 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા, પણ ઇન્કમ ટેક્સ વિભાગથી તેને કોઇ પૈસા મળ્યા નહોતા.
દરમિયાન વૃદ્ધાએ તાજેતરમાં તેના સંબંધીઓને આ અંગે જાણ કરી હતી, જેમણે વૃદ્ધાને કહ્યું હતું કે સાયબર ગુનેગારોએ તેની સાથે છેતરપિંડી આચરી છે. તેમણે વૃદ્ધાને પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. વૃદ્ધાએ આ પ્રકરણે દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)