ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી

મુંબઈમાં ધારાવી-માહિમ જંક્શન પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક મોટું ટ્રેલર નિયંત્રણ બહાર ગયું હતું અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટેક્સી અને ટેમ્પો સહિત અનેક વાહનો સાથે અથડાયું હતું. આ ભયાનક અથડામણમાં પાંચ વાહનોને ખરાબ રીતે નુકસાન થયું હતું અને કેટલાક વાહનો રસ્તાની બાજુના નાળામાં પડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા વાહનોના માલિકો રાત્રીના સમયે પોતાના વાહનો રોડ કિનારે પાર્ક કરીને પોતાના ઘરે જતા રહ્યા હતા, તેથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. શાહુનગર પોલીસ અને માહિમ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી હતી. પોલીસે નાની ક્રેન બોલાવી અકસ્માત સ્થળેથી મોટા ટ્રેલરને હટાવ્યું હતું અને નાળામાં પડેલા વાહનોને પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અકસ્માતના પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક વાહનવ્યવહાર ખોરવાયો હતો.
દુર્ઘટના સ્થળના વિડિયોમાં ટૅક્સીઓ અને ટેમ્પો અસરને કારણે નજીકના નાળામાં પડી ગયેલા જોવા મળે છે. અકસ્માત કરનાર ટ્રેલર નાળા તરફના ઢોળાવ પર અટવાયેલું જોવા મળ્યું હતું.