મુંબઈમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો, પણ અન્ય બીમારીઓ ઘટી

મુંબઈ: મુંબઈમાં ઓગસ્ટની સરખારણીમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો. ગયા વર્ષે પણ સમાન સમયગાળા દરમિયાન મુંબઈમાં પરિસ્થિતિ આ પ્રમાણેની જ હતી, એમ પાલિકાના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.
મુંબઈ પાલિકાના વરસાદી બીમારી અંગેના રિપોર્ટમાં જણાવાયું હતું કે મુંબઈમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ૧,૩૮૪ કેસ નોંધાયા હતા જે ઓગસ્ટ મહિનાની સરખામણીમાં ૧,૧૫૯ વધુ છે. તેમ છતાં પાણીજન્ય રોગોમાં કોઇ વધારો નહોતો, એમ તેમાં જણાવાયું હતું.
સપ્ટેમ્બરમાં મેલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો હતો અને કુલ ૧,૪૧૧ કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટમાં આ આંકડો ૧,૫૫૩ હતો, જ્યારે ચિકનગુનિયાના કેસ ઘટાડા સાથે ૧૩૯ નોંધાયા હતા જ્યારે ગયા મહિને ઓગસ્ટમાં ૨૨૦ કેસ નોંધાયા હતા. લેપ્ટોપાઇરોસિસના કેસ ઓગસ્ટમાં ૨૨૭ નોંધાયા હતા જેમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થયો હતો અને આંકડો ૧૪૭ રહ્યો હતો. ગેસ્ટ્રોના કેસ સપ્ટેમ્બરમાં ૪૪૨ અને ઓગસ્ટમાં ૫૯૨ નોંધાયા હતા.
આ પણ વાંચો: મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો
હેપેટાઇટિસના કેસ પણ ઓગસ્ટમાં ૧૯૭ નોંધાયા હતા જ્યારે સપ્ટેમ્બરમાં તેમાં ઘટાડો થયો હતો અને આંકડો ૧૭૬ રહ્યો હતો.
ગણેશોત્સવ અને નવરાત્રિ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરેક વોર્ડમાં જાહેર આરોગ્ય જાગરૂકતા માટે અનેક પગલાં લેવાયા હતા. પહેલી સપ્ટેમ્બરથી ૩૦મી સપ્ટેમ્બર સુધી પાલિકા દ્વારા ૧૦,૩૨,૨૪૯ ઘરની તપાસ કરાઇ હતી અને લોહીના ૧,૮૫,૮૬૩ નમૂના જમા કર્યા હતા. આ સિવાય મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતની માંદગીઓ અંગે જાગરૂકતા લાવવા માટેનાં પગલાં લેવાયા હતા.
(પીટીઆઇ)