છ મહિનામાં ‘ડેબ્રિસ ઓન કોલ’ સેવા હેઠળ ૧૨,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ડેબ્રિસ ઓન કોલ’ સેવા ફરી શરૂ થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા છ મહિનામાં મુંબઈ શહેર અને ઉપનગરોમાંથી ૧૨,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ (કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશન) ભેગો કર્યો છે.
પાલિકાના અંદાજ મુજબ શહેરમાં દરરોજ ૮,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કાટમાળ નીકળે છે પણ ગેરકાયદે રીતે તેનો નિકાલ કરી દેવામાં આવતો હોવાથી પાલિકા પાસે એટલા પ્રમાણમાં કાટમાળ જમા થતો નથી. પાલિકાએ અગાઉ ૨૦૧૪માં કાટમાળ ભેગો કરવા માટે હેલ્પલાઈન ચાલુ કરી હતી પણ લોકોએ તેના પર ધ્યાન આપ્યું નહોતું. એક દાયકા બાદ ડિસેમ્બર ૨૦૨૪માં આ સેવાને ફરી ચાલુ કરવામાં આવી હતી. હાલ આ સેવા માયબીએમસી ઍપ્લિકેશનમાં અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. જે ૫૦૦ કિલો સુધી ઘરનો અથવા નાના પાયે કાટમાળ મફતમાં જમા કરે છે. ૫૦૦ કિલોથી વધુ કાટમાળ શહેર અને પૂર્વીય ઉપનગરમાં પ્રતિ ટન ૧,૪૨૫ રૂપિયા ને પશ્ચિમ ઉપનગર માટે પ્રતિ ટન ૧,૪૧૫ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. વધુમાં દહિસર અને કલ્યાણ શિલફાટામાં બે અત્યાધુનિક રિસાયકલિંગ પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેની ક્ષમતા ૧,૨૦૦ ટનની છે
પાલિકાએ આ સુવિધા ઉપલબ્ધ કરી આપી હોવા છતાં મુંબઈમાંથી બહુ ઓછા પ્રમાણમાં સત્તાવાર રીતે કાટમાળ જમા થઈ રહ્યો છે. જાન્યુઆરીથઈ જૂન ૨૦૨૫ સુધીમાં શહેર અને પૂર્વીય ઉપનગરમાં લગભગ ૧,૬૦૦ મેટ્રિક ટન કાટમાળ ભેગો કરવામાં આવ્યો હતો. જયારે એકલા પશ્ચિમ ઉપનગરમાંથી લગભગ ૧૦,૩૯૬ મેટ્રિક ટન કાટમાળ ભેગો કરવામાં આવ્યો હતો.