મુંબઈમાં દશેરા રેલી અને દેવીની મૂર્તિનું વિસર્જન: 19,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્ત માટે તહેનાત

મુંબઈ: મહાનગરમાં 2 ઑક્ટોબરે રાજકીય પક્ષોની દશેરા રેલી અને દેવીની મૂર્તિના વિસર્જન માટેની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરભરમાં વિવિધ સ્પેશિયલ યુનિટ્સના કર્મચારીઓ, 16,500થી વધુ પોલીસ કોન્સ્ટેબલ તેમ જ લગભગ 2,890 પોલીસ અધિકારીને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે.
આ વર્ષે દશેરા અને ગાંધી જયંતી યોગાનુયોગે એક જ દિવસે ઉજવવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના તેની વાર્ષિક દશેરા રેલી ગોરેગામના નેસ્કો સેન્ટર ખાતે યોજશે. અગાઉ આ રેલી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે યોજાવાની હતી.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં તેના પરંપરાગત સ્થળ શિવાજી પાર્ક તેમની રેલી યોજવા માટે તૈયાર છે. પોતાના પક્ષોની રેલીમાં હાજરી આપવા શહેરમાં મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો એકઠા થાય એવી શક્યતા છે.
આ પણ વાંચો: દશેરામાં વરસાદી વિઘ્ન નહીં…
રાજકીય પક્ષોની આ રેલી અને દેવીની મૂર્તિના વિસર્જનની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સાત એડિશનલ પોલીસ કમિશનર, 26 ડેપ્યુટી પોલીસ કમિશનર, બાવન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 2,890 અધિકારી અને 16,552 કોન્સ્ટેબલને બંદોબસ્ત માટે તહેનાત કરાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહત્ત્વનાં સ્થળોએ બંદોબસ્ત માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી), બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ), રાયટ્સ કન્ટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેક્ટ તથા હોમગાર્ડસની મદદ લેવામાં આવી છે.
ગિરદી ટાળવા અને કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ગિરદીના સ્થળે સંયમ રાખી પોલીસને સહકાર આપવા, નધણિયાતી વસ્તુ નજરે પડે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા અને મદદ માટે પોલીસનો સંપર્ક સાધવાની લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.