‘ગોવિંદા આલા રે આલા’, મુંબઈમાં આજે દહીં હાંડીની ધૂમ, લાઈવ મ્યુઝિક, ડીજે સાથે લાખોના ઈનામો
મુંબઇઃ આજે 26 ઓગસ્ટે મહારાષ્ટ્રના મુબઇ સહિત દેશના ઘણા ભાગોમાં દહી-હાંડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આગલા દિવસે એટલે કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરવામાં આવે છે. ભક્તિમય વાતાવરણમાં ભગવાન બાળ ગોપાળની પૂજા, આરતી અને પ્રસાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે સર્વત્ર દહીંહાંડી ઉત્સવની ધામધૂમથૂ ઉજવણી કરવામાં આવી રહી છે. દહીં-હાંડીનો તહેવાર જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નવમીના દિવસે ઉજવવામાં આવે છે.
દહીં-હાંડી મહારાષ્ટ્રના ખાસ તહેવારોમાંનો એક છે. આ સમય દરમિયાન હજારો લોકો ઘટના સ્થળે એકઠા થાય છે. મુંબઈ અને થાણેની વાત કરીએ તો અહીં આજે દહીં હાંડી ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દહીં હાંડીની ઉજવણી માટે ગોવિંદાના ગ્રુપ અને આયોજકો ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા. આજે સવારથી જ મુંબઈ અને થાણેના રસ્તાઓ પર દહીં હાંડીની ઉજવણી શરૂ થઇ ગઇ છે.
સવારથી જ શેરીઓમાં ‘ગોવિંદા આલા રે આલા’ની ગુંજ સંભળાવા માંડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી યુવાનોના ટોળા દહીંહાંડી તોડવા માટે નીકળી પડ્યા છે. દહીંથી ભરેલા વાસણને દોરડાની મદદથી ઊંચાઈ પર લટકાવવામાં આવ્યા છે અને તેને તોડવા માટે ગોવિંદાઓ આવશે. દહીંહાંડી તોડવા માટે ઘણી ગોવિંદા ટીમો ભાગ લે છે અને નસીબ અજમાવે છે.
દહીંહાંડી દરમિયાન મુંબઈમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ 11,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
દહીં હાંડીની ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ ભાગ લીધો છે અને ગોવિંદાઓ માટે મોટા મોટા ઇનામોની જાહેરાત કરી છે. શિવસેના યુબીટી, બીજેપી નેતા સંતોષ પાંડે દ્વારા મુંબઈ વિસ્તારમાં દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કયો નેતા તેના દહીં હાંડી કાર્યક્રમમાં કેટલા લાખનું ઈનામ આપશે તેની સ્પર્ધા છે. આ કાર્યક્રમમાં સીએમ, ડીસીએમ અને બોલિવૂડની હસ્તીઓ ભાગ લેશે.
ભાજપ સાથે જોડાયેલા શિવાજી પાટીલે દહીં હાંડી કાર્યક્રમ માટે કુલ 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. થાણેમાં શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની સંસ્થા દ્વારા આયોજીત દહીં હાંડી ઉત્સવમાં આ વર્ષે પ્રથમ નવ સ્તરો મૂકનાર ગોવિંદા ટીમને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. થાણેમાં MNSના નેતા અવિનાશ જાધવ અને શિવસેનાના નરેશ મસ્કે દ્વારા એક મોટી દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. થાણેમાં કલ્ચર યુથ ફાઉન્ડેશન દહીંહાંડી નિમિત્તે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ગોવિંદા ગ્રુપને 25 લાખ રૂપિયાનું ઈનામ આપશે. ધારાવીમાં 11 લાખ 111 રૂપિયાની દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. વરલીમાં ભાજપની પરિવર્તન દહીં હાંડી પર 50 લાખ રૂપિયાથી વધુનું ઈનામ રાખવામાં આવ્યું છે.
અંધેરી વિસ્તારમાં ભાજપ અને શિવસેના દ્વારા દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં લાખોના ઇનામ આપવામાં આવશે. થાણેમાં ટેમ્ભી નાકા ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં ગોવિંદા જૂથો પર ઇનામોનો વરસાદ થશે. દરેક ગોવિંદા જૂથને 100,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
Also Read –