સવારે ફક્ત બે કલાક ચણ નાખવાની પરવાનગી આપવાની માગણી | મુંબઈ સમાચાર

સવારે ફક્ત બે કલાક ચણ નાખવાની પરવાનગી આપવાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દાદર કબુતરખાનાને પાલિકા દ્વારા ફરી એક વખત તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે ત્યારે દાદરના કબુતરખાના ટ્રસ્ટે અહીં બોર્ડ લગાવ્યું છે કે કબુતરોને સવારના છથી આઠ વાગ્યા સુધીમાં ખાદ્ય પદાર્થ આપવાની મંજૂરી પાલિકા પાસે પત્ર લખીને માગવામાં આવી છે. જોકે પાલિકા પ્રશાસન દ્વારા આવો કોઈ પણ પત્ર તેમને મળ્યો ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

દાદર કબુતરખાના પરની તાડપત્રીને ગયા અઠવાડિયા વિરોધીઓ દ્વારા હટાવી દેવામાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તેને ફરીથી તાડપત્રી નાખીને ઢાંકી દેવામાં આવ્યું છે. તેમ જ કબુતરોને ખાદ્ય પદાર્થ નાખતા નાગરિકોને રોકવા માટે મુંબઈ પોલીસે કબુતરખાનાના આજુબાજુના પરિસરમાં બેરિકેડ્સ ગોઠવી દીધા છે અને સુરક્ષા પણ વધારી દીધી છે. પંચાવન વર્ષના નાગરિક દ્વારા કારની છત પર કબુતરોને ખાદ્ય પદાર્થ નાખી ખવડાવવા બદલ પાલિકાએ એફઆઈઆર નોંધાવ્યાના બે દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

કબુતરોને ખાદ્ય પદાર્થ નાખનારા પર નજર રાખવા માટે હાઈ કોર્ટે પાલિકાને સીસીટીવી કેમેરા બેસાડવા અને ખાદ્ય પદાર્થ જયાં આપવામાં આવે છે એ જગ્યા પર બીટ માર્શળ અથ્ાવા પાલિકા કર્મચારીઓને નીમવા અને કુબતરોને ભેગા થતા અટકાવવા માટે જાળીનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.

પાલિકાના ઉચ્ચ અધિકરીના જણાવ્યા મુજબ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ કબુતરખાના પરિસરમાં ખાદ્ય પદાર્થ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જયાં સુધી કોર્ટ અમને આગળની કાર્યવાહીનો નિર્દેશ નહીં આપે ત્યાં સુધી કબુતરખાના પરિસરને ઢાંકી રાખવામાં આવશે. રવિવારે મોડી સાંજે પાલિકાએ દાદરના કબુતરખાનાને ઢાંકવા માટે તાડપત્રી નાખવાનું કામ હાથમાં લીધું હતું, જે સોમવારે સવારે પૂરું થયું હતું. પાલિકાએ પોલીસને પત્ર લખીને આ વિસ્તાર પર નજર રાખવા માટે પણ ક્હ્યું હોવાનું કહેવાય છે.

પાલિકાએ ૩૦ જુલાઈના મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરી હતી, જેમાં દાદર પશ્ર્ચિમમાં આવેલા કબુતરખાનામાં ગેરકાયદેસર રીતે ખાદ્ય પદાર્થ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઈ કોર્ટના આદેશ બાદ જોકે અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આદેશ સામે વિરોધ દર્શાવ્યો હતો.

સાત ઑગસ્ટના દાદરના કબુતરખાના પરની તાડપત્રી હટાવી દેવાની ઘટના બાદ કોર્ટેપોતાના અગાઉના આદેશને કાયમ રાખ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે પાલિકાએ પોતાનો નિર્ણય રદ કર્યો નથી કે પછી તેમા કોઈ રાહત આપી નથી. તેથી જાહેર સ્થળોએ ખોરાક આપવા પરનો પ્રતિબંધ રહેશે. જોકે કોર્ટે અરજદારોને કબુતરોને ખવડાવવા માગતા હોય તો પાલિકાને અરજી કરવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે પાલિકાએ નિર્ણય લેતા સમયે જાહેર આરોગ્યના મુદ્દા પર વિચાર કરવાનો રહેશે.

૧૧ દિવસમાં રૂ. ૩૨,૦૦૦નો દંડ અને ત્રણ એફઆઈઆર

ગેરકાયદેસર રીતે કબુતરોને ખવડાવતા લોકોને સ્થળ પર જ દંડ કરવામાં આવી રહ્યો છે. પાલિકા કબુતરખાનાની સાથે જ અન્ય જાણીતા સ્થળો કે જયાં કબુતરોને ચણ નાખવામાં આવે છે તે સ્થળો પર સીસીટીવી કેમેરા બેસાડવાનો વિચાર છે.
પહેલી ઑગસ્ટથી ૧૧ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીના ૧૧ દિવસમાં ૨૪ વોર્ડમાંથી કુલ ૩૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ દરમ્યાન કબુતરોને ગેરકાયદે રીતે ચણ નાખનારા ત્રણ લોકો સામે પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં ડી વોર્ડમાં એક અને જી-ઉત્તર વોર્ડ (દાદર)માં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. સૌથી વધુ દંડ પી-દક્ષિણ વોર્ડ ગોરેગામમાંથી ૬૦૦૦ રૂપિયા અને ૫,૫૦૦ રૂપિયા જી-ઉત્તર વોર્ડ (દાદર)માંથી વસૂલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો…કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં લોખંડના સળિયાથી હુમલો: ચાર સામે ગુનો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button