સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં અડધી રાતે હુમલો થયો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. આ ઘટનાને 45 કલાકથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં પોલીસના હાથ ખાલી છે. પોલીસ હુમલાખોરને પકડી શકી નથી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે એવો આરોપ લગાવ્યો છે કે બાન્દ્રા પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લીધી નથી. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે સવારે છેક છ વાગે ક્રાઇમ બ્રાન્ચને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી, ટુંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે: ફડણવીસ…
આ બાન્દ્રા પોલીસની સંપૂર્ણ નિષ્ફળતા છે. તેમણે આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને આસપાસના અન્ય પોલીસ સ્ટેશનને, રેલવે પોલીસને તેમ જ ક્રાઇમ બ્રાન્ચને તુરંત જ આ ઘટના વિશે માહિતી આપી નહોતી, એમ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ ફરિયાદી સૂરમાં જણાવ્યું હતું.
મીડિયા અહેવાલો મુજબ બાન્દ્રા પોલીસની ટીમ સવારે ચાર વાગે લીલાવતી હૉસ્પિટલમાં પહોંચી હતી, જ્યારે પોલીસની બીજી ટીમ સૈફના નિવાસસ્થાન શતગુરુ શરણ બિલ્ડિંગમાં પહોંચી હતી. આ ઘટનાના છેક ત્રણ, ચાર કલાક બાદ સવારે છ વાગે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. ઘટના રાતના સમયે બની હતી. એ સમયે રસ્તાઓ ખાલી જ હતા. કોઇ ભીડ નહોતી.
જો બાન્દ્રા પોલીસે અન્ય પોલીસ સ્ટેશનો, પેટ્રોલિંગ વાન પરના તમામ પોલીસ અધિકારીઓ અને બિટ માર્શલોને તુરંત ચેતવણી આપી હોત તો બાન્દ્રાની બહાર જતા રસ્તા પર પોલીસને સાબદી કરી શકાઇ હોત, રેલવે પ્રોટેક્શન ફોર્સ જીઆરપીને પણ સાવધ કરી શકાયા હોત તો હુમલાખોરને આસાનીથી પકડી લેવાયો હોત, એમ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આવી પ્રથા અગાઉ તમામ સંવેદનશીલ કેસોમાં અનુસરવામાં આવતી હતી, પણ હવે એવું થાય છે કે પોલીસ આરોપી શહેરમાંથી નાસી જાય ત્યાર પછી જ કાર્યવાહી કરે છે.
પોતાની વાતની સાબિતી આપતા તેમણે ત્રણ હાઇ પ્રોફાઇલ કેસના ઉદાહરણ ટાંક્યા હતા, જેમાં મુંબઇ પોલીસની ભૂલ અને બેદરકારી સ્પષ્ટ જોવા મળી હતી. અભિનેતા સલમાન ખાનના ઘર પર જ્યારે ગોળીબાર થયો ત્યારે તેના આરોપીઓ શહેર બહાર ભાગી જવામાં સફળ રહ્યા હતા. એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા થઇ ત્યારે તેનો મુખ્ય શૂટર ગુનાના સ્થળે જ હતો, તે લીલાવતી હૉસ્પિટલમાં પણ ગયો હતો, જ્યાં સિદિ્કીને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
તેમ છતાં તે શહેર છોડીને ભાગી જવામાં સફળ રહ્યો હતો અને હવે આ સૈફ અલી ખાનનો કેસ. એમાં પણ હુમલાખોર ભાગી જવામાં સફળ રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોલીસનું ધ્યાન હવે સાયબર ક્રાઇમ અને વીઆઇપી સુરક્ષા જેવા નવા પ્રકારના ગુનાઓ પર છે, તેથી તેઓ નાના, મોટા, છૂટક એકલદોકલ ગુનાઓ પર એટલું ધ્યાન નથી આપતા.