મુંબઈ સુરક્ષિત?: ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં થયો વધારો…
મુંબઈઃ શહેરમાં મહિલાઓ સંબંધિત ગુનાઓ બાબત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મહિલાઓ સાથે સંબંધિત ગુનાહિત ઘટનાઓમાં ૭.૭ ટકાનો વધારો થયો હોવાનું નોંધાયું છે. ૨૦૨૪માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન મુંબઈમાં નોંધાયેલા ગુનાના આંકડા અનુસાર કુલ ૫,૮૨૭ ગુના નોંધાયા હતા, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા ૫,૪૧૦ હતી. વધતા ગુના મુંબઈમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા કરે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?
૨૦૨૪માં ૯૨.૨ ટકા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૨૩માં દર ૯૦.૮ ટકા હતો. નોંધાયેલા ગુનાઓની માસિક સરેરાશ વિશે વાત કરીએ તો, ૨૦૨૪માં દર મહિને સરેરાશ ૫૩૦ ગુના નોંધાયા છે, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા ૪૯૨ હતી.
મુંબઈ પોલીસના રિપોર્ટ અનુસાર ૨૦૨૪માં મહિલાઓની છેડતીના ૨૦૧ કેસ જ્યારે ૨૦૨૩માં દર મહિને સરેરાશ ૧૭૯ કેસ નોંધાયા હતા. તે જ સમયે, ૨૦૨૪માં મહિલા ઉત્પીડનના ૩૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૩માં ૧૪ કેસ નોંધાયા હતા.
૨૦૨૪માં દર મહિને સગીર પર બળાત્કારના ૫૧ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૩માં ૪૮ કેસ નોંધાયા હતા. તે જ સમયે, ૨૦૨૪ પુખ્ત વયના લોકો પર દર મહિને બળાત્કારના સરેરાશ ૩૬ કેસ નોંધાયા હતા અને ૨૦૨૩માં ૩૨ કેસ નોંધાયા હતા.
અપહરણની ઘટનાઓની માસિક સરેરાશ ૨૦૨૪માં ૧૦૨ અને ૨૦૨૩માં ૯૭ હતી. જોકે, દહેજને કારણે થતા ગુનાઓમાં ૨૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેની માસિક સરેરાશ ૨૦૨૪માં ૨ અને ૨૦૨૩ માં ૩ હતી. પોસ્કો (બાળકો ઉપરના ગુના) વિશે વાત કરીએ તો ૨૦૨૪માં દર મહિને સરેરાશ ૧૧૨ અને ૨૦૨૩માં ૯૧ કેસ નોંધાયા હતા.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે ૨૦૨૪ માં ગુનાઓમાં વધારો ચિંતાજનક છે, પરંતુ તપાસ દરમાં વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે. જો કે, તેને વધુ મજબૂત કરવાની જરૂર છે. આ માટે સામાજિક જાગૃતિ અભિયાન તેમ જ કડક કાયદાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૪ માં, પોસ્કો એક્ટના ૧,૨૩૩ કેસમાંથી ૧,૧૭૫ ઉકેલાયા હતા, જ્યારે ૨૦૨૩માં નોંધાયેલા ૧,૦૦૫ પોસ્કો કેસમાંથી માત્ર ૯૭૯ કેસ ઉકેલાયા હતા. મહિલાઓ સામેના ગુનાઓનો ચોંકાવનારા આંકડા પર નજર કરીએ.
આ પણ વાંચો : પ્રદૂષણ સામે એમએમઆરડીએનો જંગ ક્ધસ્ટ્રક્શન કૉન્ટ્રેક્ટરોને 20લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની ચીમકી
૧. બળાત્કાર (સગીર)
૨૦૨૪: ૫૬૫ કેસ (ઉકેલ: ૫૩૫)
૨0૨૩: ૫૩૧ કેસ (ઉકેલ: ૫૨૭)
૨. બળાત્કાર (પુખ્ત વયના)
૨૦૨૪: ૩૯૩ કેસ (ઉકેલ: ૩૫૪)
૨૦૨૩: ૩૪૭ કેસ (ઉકેલ: ૩૨૦)
૩. અપહરણ (સગીર)
૨૦૨૪ : ૧,૧૨૫ કેસ (ઉકેલ: ૧,૦૨૧ )
૨૦૨૩: ૧,૦૭૧ કેસ (ઉકેલ: ૯૮૮)
૪. દહેજ સંબંધિત આત્મહત્યા
૨૦૨૪ : ૨૪ કેસ (ઉકેલ : ૨૨)
૨૦૨૩: ૩૧ કેસ (ઉકેલ: ૨૬)
૫. પોસ્કો એક્ટના કેસ
૨૦૨૪: ૧,૨૩૩ કેસ (ઉકેલ: ૧,૧૭૫)
૨૦૨૩: ૧,૦૦૫ કેસ (ઉકેલ: ૯૭૯)