પાલિકાની ઘોર બેદરકારી: કૂપરમાં મહિલા દર્દીને ઉંદર કરડયો

મુંબઈ: કૂપર હૉસ્પિટલમાં મહિલા દર્દીને ઉંદર કરડયો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મહિલા દર્દીની તબિયત હાલ સ્થિર છે, જોકે આ બનાવ બાદ દર્દીની સંબંધીઓએ હૉસ્પિટલ પ્રશાસનને આડે હાથ લીધું હતું.
મરોલમાં શિવાજી નગર પરિસરમાં રહેતી ૮૫ વર્ષની ઈંદુમતી કદમને શ્ર્વાસની તકલીફ તથા તેને શનિવારે સાંજે કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી અને તબિયતમાં હળવો સુધારો થતા તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. એ દરમ્યાન તેને બુધવારે રાતના જમણા હાથમાં ઉંદર કરડયો હતો.
આ પણ વાંચો: બિલાડી, ઉંદર, વાંદરો જેવા પ્રાણી કરડે તો શું કરવું? જાણો તાત્કાલિક ઉપચાર અને સાવચેતીના પગલાં…
તેના સંબંધીઓના કહેવા મુજબ દવાને કારણે મોટાભાગે તે સૂતી રહેતી હોવાથી ઉંદર કરડયો હોવાનું તેણે ધ્યાનમાં આવ્યું નહોતું. ગુરુવારે સવારના તેનો પૌત્ર વોર્ડમાં આવ્યો ત્યારે તેના ધ્યાનમાં આવતા તેણે નર્સનું ધ્યાન દોર્યું હતું.
ઈંદુમતીના સંબંધીના કહેવા મુજબ તેને ડાયાબિટીઝ હોવાને કારણે ઉંદરોએ તેનો હાથ કરડી નાખ્યો છે તેને જલદી સારો થવામાં સમય લાગશે. આ બાબતે હૉસ્પિટલ પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે. આ બનાવ બાદ પાલિકાના ઉચ્ચ અધિકારીએ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.