મુંબઈ ઠંડુગાર તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ ઠંડીનું જોર અઠવાડિયા અંત સુધીમાં રહેશે.
ગયા આખા અઠવાડિયા દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ કરનારા મુંબઈગરાને રવિવારથી ફરી એક વખત હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ
દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ વાતાવરણ ઠંડુ રહ્યું હતું. હવામાન ખાતાના કહેવા મુજબ મંગળવારે સાંતાક્રુઝમાં દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય રતા એક ડિગ્રી ઓછું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું, જે સામાન્ય હતું.
મંગળવારનો દિવસ ૧૬.૨ ડિગ્રી તાપમાન સાથે મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન ખાતાના આંકડા મુજબ છેલ્લા થોડા વર્ષોમાં જાન્યુઆરી મહિનામાં લઘુતમ તાપમાન આના કરતા પણ ઓછું નોંધાયું છે. ગયા વર્ષે ૧૫ જાન્યુારીના સૌથી નીચું એટલે કે ૧૩.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જ્યારે એ અગાઉ ૨૦૨૨માં ૧૦ જાન્યુઆરી ૧૩.૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ ઉત્તર-પશ્ર્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત રાજ્યમાં ઠંડી પડી રહી છે.