મુંબઈમાં સતત વરસાદથી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ, જનજીવનને વ્યાપક અસર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ દરમિયાન મુંબઈ ભૂગર્ભ મેટ્રો હાલમાં વરલીથી આરે કોલોની સુધી ચાલે છે. જેમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો ટ્રેનો હવે ગ્લેક્સો સ્ટેશનથી આરે કોલોની સુધી દોડી રહી છે. જે વર્લીથી એક સ્ટેશન આગળ છે. જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી કરી છે. તેમજ મુંબઈ-થાણેથી રાયગઢ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈ મેટ્રોએ એક નિવેદન બહાર પાડ્યું
આ અંગે મુંબઈ મેટ્રો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટેકનિકલ સમસ્યાઓના કારણે, મેટ્રો લાઇન 3 પર ટ્રેન સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. હવે તે આચાર્ય અત્રે ચોકને બદલે ફક્ત વર્લી સ્ટેશન સુધી જ દોડશે.
3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના
આ ઉપરાંત ભારે વરસાદના કારણે શહેરની અનેક એવી ઇમારતો છે જેને નુકસાન થઈ શકે તેમ છે. જેથી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અને MHADAએ શહેરમાં 96 એવી ઇમારતો ઓળખી કાઢી છે જે વરસાદની ઋતુ દરમિયાન જોખમી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પાણી ભરાવવાની સમસ્યાઓ હોવાથી તંત્ર દ્વારા નાળાની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પાણી ભરાયેલા વિસ્તારોને જવાનું ટાળવા અપીલ
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, અત્યારે ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું. પાણી ભરાયેલા વિસ્તારોને જવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે. જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો
આ ઉપરાંત ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. ટ્રેનના પાટા પણ પાણી ભરાતા ટ્રેનના સમયમાં વિલંબ થઇ રહ્યો છે.