માનખુર્દ- ચેંબુરના રસ્તાનું કૉંક્રીટીકરણ ‘સ્લમ્પ’ ટેસ્ટમાં ફેઈલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તાના કૉંક્રીટીકરણના ચાલી રહેલા કામના ઓચિંતા નિરીક્ષણ દરમ્યાન પાલિકાના ઉચ્ચ અધિકારીને જણાઈ આવ્યું હતું કે કૉંક્રીટનું ‘સ્લમ્પ’ વેલ્યુ તેના નક્કી કરેલા ધોરણ કરતા વધી ગયું હતું જે વધુ પડતું પ્રવાહી મિશ્રણ ધરાવે દર્શાવે છે. જે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણા માટે જોખમી બની છે. તેથી આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતોની સલાહ બાદ પાલિકાએ ખામીયુક્ત બેચને નકારી કાઢી હતી અને ડિલિવરી ટ્રકને પાછી મોકલી આપી હતી. કૉન્ટ્રેક્ટર અને ક્વોલિટી કંટ્રોલ એજન્સીને હવે તે માટે ખુલાસો આપવા માટે નોટિસ મોકલવામાં આવવાની છે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ગુરુવારે મોડી રાતે માનખુર્દ-આગરવાડી વિલેજમાં નીતુ માંડકે રોડ અને ચેમ્બુરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી રોડના કૉંક્રીટીકરણના કામની ઓચિંતી મુલાકાત લીધી હતી. એ દરમ્યાન ‘સ્લમ્પ ટેસ્ટ’માં રીઝલ્ટ અસંતોષકારક જણાઈ આવ્યા હતા.નિરીક્ષણ દરમ્યાન તેમણે જરૂરી સુધારા અને કામની ગુણવત્તા સુનિશ્ર્ચિત કરવા સૂચનાઓ પણ આપી હતી.
આ પણ વાંચો : મુંબઈના રસ્તાઓનું કંગાળ કૉક્રીટીકરણ:વિધાનસભામાં મુદ્દો ગાજ્યો, સુધરાઈને ઝાટકી…
કૉંક્રીટની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાલિકાએ રેડી મિક્સ સિમેન્ટ પ્લાન્ટ અને વર્ક સાઈટ માટે ‘સ્લમ્પ ટેસ્ટ’ ફરજિયાત બનાવી છે. એડિશનલ કમિશનર બાંગરને ગુરુવારે મોડી રાતના ઈન્સ્પેકશન દરમ્યાન ‘સ્લમ્પ ટેસ્ટ’માં અસંતોષકારક જણાયા હતા. તેથી કૉંક્રીટ બેચને નકારીને કાઢી હતી અને રેડી મિક્સ કૉંક્રીટના વાહનને પાછું મોકલી દઈને નવું મિશ્રણ મગાવવામાં આવ્યા બાદ કામ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.
કૉંક્રીટના કાર્યવહનની ક્ષમતા માટે (વર્ક એબિલિટી) માટે ‘સ્લમ્પ ટેસ્ટ’ કરવામાં આવે છે, જેનો ઉપયોગ કૉંક્રીટમાં સિમેન્ટ અને પાણીનું પ્રમાણ કેટલું છે માપવામાં આવે છે અને રસ્તાના કામમાં ‘સ્લંપ ટેસ્ટ’ મહત્ત્વના ગણાય છે. તેને કારણે કૉંક્રીટની ગુણવત્તા તપાસ માટે પાલિકાએ રેડી મિક્સ કૉંક્રીટ પ્રોજેક્ટ સ્થળે અને ઓન ફીલ્ડ આ બંને સ્થળે ‘સ્લમ્પ ટેસ્ટ’ ફરજિયાત કર્યા છે.
આઈઆઈટી બોમ્બેના પ્રોફેસરની સલાહ બાદ નોંધવામાં આવ્યું હતું કે રેડી મિક્સ કૉંક્રીટ પ્લાન્ટથી સાઈટ સુધી પરિવહનમાં ૩૦થી ૯૦ મિનિટનો સમય લાગી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કૉન્ટ્રેક્ટરોને ત્રણ કૉંક્રીટ મિક્સ ડિઝાઈન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. રેડી મિક્સ કૉંક્રીટ પ્લાન્ટથી ટ્રકને સાઈટ પર જતા કેટલો સમય લાગશે તે ગૂગલ પર તપાસવું જોઈએ અને તેને આધારે આગમન સમયે કૉંક્રીટની ગુણવત્તા જાળવવા માટે યોગ્ય મિક્સ ડિઝાઈન પસંદ કરવી જોઈએ.