Important Alert: મુંબઈગરાઓ Coastal Road પર આ સમયે ભૂલથી પણ પ્રવાસ ના કરતા નહીંતર…
મુંબઈઃ ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવો Mumbai Coastal Road મુંબઈગરા માટે એક અઠવાડિયા પહેલાં ખુલ્લો મૂકાયો છે અને એવી આશા સેવાઈ રહી છે મુંબઈગરાને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને કારણે ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. એક અઠવાડિયામાં હજારો મુંબઈગરા આ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો લાભ લઈ ચૂક્યા છે. દરરોજ આ કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કરનારાઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
મળી રહેલી માહિતી અનુસાર 22,000થી વધુ લોકોએ આ રોડ પરથી પ્રવાસ કર્યો છે. આ સાથે સાથે જ એક એવો સમય પણ ધ્યાનમાં આવ્યો છે કે જ્યારે કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કરતી વખતે ટ્રાફિકજામમાં ફસાઈ જવાય છે. અમે તમારા માટે આ જ કામની માહિતી લઈને આવ્યા છીએ જેથી તમે એ સમયમાં આ રોડ પરથી પ્રવાસ કરવાનું ટાળો અને ટ્રાફિકજામમાં અટવાતા બચી જશો…
વરલીથી મરીનલાઈન્સ વચ્ચેનો કોસ્ટલ રોડનો તબક્કો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુંબઈગરાઓ સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી વરલીથી અને મુંબઈથી સવારે 8થી રાતે આઠ સુધી એમ આ કોસ્ટલ રોડ પર પ્રવાસ કરી શકશે. ઉદ્ઘાટન બાદના પહેલાં જ દિવસે 16,000 લોકોએ આ કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કર્યો હતો અને દરરોજ એમાં આશરે 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે એટલે કે શુક્રવારે તો આ આંકડો 22,000 સુધી પહોંચી ગયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં મુંબઈગરા આ કોસ્ટલ રોડનો ઉપયોગ કરી રહ્યા છે અને એને કારણે અમુક સમયે આ રોડ પર પણ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. સવારના સમયે વાહનવ્યવહાર એકદમ સરળતાથી થાય છે. પરંતુ બપોરે ત્રણથી ચારની વચ્ચે અહીં ટ્રાફિકજામ થતો હોવાનું અહેવાલમાં સામે આવી રહ્યું છે. સામાન્યપણે સવારે 10થી બપોરે 12 એ મુંબઈ માટે ધસારાનો સમય ગણાય છે પણ આ સમયે કોસ્ટલ રોડ પર ટ્રાફિકજામ નથી જોવા મળતો.
આ ટ્રાફિકજામના કારણો વિશે વાત કરતાં એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર જોયરાઈડ માટે એટલે કે કોસ્ટલ રોડ કેવો છે, આ રોડ પર પ્રવાસ કરવાનો અનુભવ કેવો છે એની માહિતી મેળવવા માંગતા લોકોને કારણે જ બપોરના સમયે આ ટ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે. આ રોડનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે એ સારી બાબત છે પણ માત્ર ફરવા માટે આવનારા વાહનોની સંખ્યા ઘટશે ત્યારે જ સાચા આંકડાઓ બહાર આવશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સિવાય વરલીથી હાજીઅલી ઈન્ટરચેન્જ શરૂ થયા બાદ વરલીની ટ્રાફિકની સમસ્યામાં સુધારો જોવા મળશે, એવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે.
કોસ્ટલ રોડ પર પણ ફાઈવ ડેઝ વીકનો નિયમ લાગુ
જો તમે પણ કોસ્ટલ રોડ પર માત્ર જોયરાઈડ પર જવાનું વિચારી રહ્યા છો તો તમારી જાણ માટે કે પ્રશાસન દ્વારા આ કોસ્ટલ રોડ પર પણ ફાઈવ ડેઝ વીકનો નિયમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે શનિવાર-રવિવાર કોસ્ટલ રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. સોમવારથી શુક્રવાર સુધી જ મુંબઈગરા આ કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કરી શકશે. કોસ્ટલ રોડનું આગળનું કામ ઝડપથી પૂરું કરવાના ઉદ્દેશથી શનિવાર અને રવિવારે કોસ્ટલ રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મે, 2024 સુધી વધુ સીસીટીવી કેમેરા બેસાડાશે
સુધરાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલ તો 100 જેટલા સીસીટીવી કેમેરા કોસ્ટલ રોડના રૂટ પર બેસાડવામાં આવ્યા છે, પરંતુ મે, 2024 સુધી આખા કોસ્ટલ રોડ વધુ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવશે, એટલે મુંબઈગરાનો પ્રવાસ વધુ સુરક્ષિત અને સિક્યોરિટી વચ્ચે સંપન્ન થશે, એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે