60 સેકન્ડમાં 32 વાહનોએ Coastal Road પરથી કર્યો પ્રવાસ, બપોરે 3થી 4માં સૌથી વધુ વાહનો પસાર થયા…
મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાના બહુ પ્રતિક્ષિત એવો મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાયો એના પહેલાં જ દિવસે 16,000થી વધુ વાહનોએ આ રોડ પરથી પ્રવાસ કર્યો હતો અને એમાં પણ ખાસ કરીને બપોરના ત્રણથી ચારની વચ્ચે કોસ્ટલ રોડ પર વાહનોની સૌથી વધુ અવરજવર જોવા મળી હતી. જોકે, કોસ્ટલ રોડ પર વરલીથી પ્રવેશ કરવાના સમયમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પહેલો તબક્કો ગઈકાલે જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પહેલાં જ દિવસે સવારે આઠથી રાતે આઠ વાગ્યા સુધી સવારે 16,331 વાહનોએ પ્રવાસ કર્યો હતો અને એમાં પણ સવારે 11 વાગ્યા બાદ તો વાહનોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધીમાં સૌથી વધુ એટલે કે 1,947 વાહનોએ કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કર્યો હતો. એવરેજ કાઢીએ તો આ એક કલાકમાં એક મિનિટમાં 32 વાહનો આ રોડ પરથી પસાર થયા હતા.
મરીન ડ્રાઈવ-વરલી કોસ્ટલ રોડ પર સવારે આઠથી રાતે આઠ વાગ્યા સુધી વાહનોને પ્રવેશ આપવામાં આવશે એવી જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ વરલી સી ફેસ એરિયામાં બિંદુ માધવ ઠાકરે ચોકના એન્ટ્રી પોઈન્ટ પર સાંજે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. સાંજે ઉપનગર જનારા વાહનોની સંખ્યા ખૂબ જ મોટી હોય છે જેને કારણે કોસ્ટલ રોડ પર જનારા વાહનોને સમય આપવામાં આવે તો વરલી ડેરી સુધી વાહનોની લાઈનો લાગવાની શક્યતા છે.
વરલી સાઈડના એન્ટ્રી પોઈન્ટ પર પ્રવેશવાના સમયમાં કરવામાં આવેલા ઘટાડા પાછળનું કારણ ટ્રાફિક જામ છે. મળી રહેલી માહિતી પ્રમાણે સાંજના સમયે ઉપનગરની દિશામાં જનારા વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વરલીથી રાતે આઠ વાગ્યાને બદલે સાંજે પાંચ વાગ્યે જ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી.
આ સમસ્યાને ધ્યાનમાં લઈને પ્રશાસન દ્વારા વરલીના એન્ટ્રી પોઈન્ટના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વરલીથી સાંજે પાંચ વાગ્યા સુધી જ વાહનોને કોસ્ટલ રોડ પર જવા માટે પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે પહેલાં જ દિવસે કેટલાક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. પરંતુ બાકીના બંને એન્ટ્રી પોઈન્ટ રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે, એવી માહિતી આપવામાં આવી છે.