આમચી મુંબઈ

Coastal Roadને લઈને મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાને આપી મોટી અપડેટ, જાણો ક્યારે શરુ થશે?

મુંબઈ: વરલી અને મરીન ડ્રાઈવને જોતાં મહત્ત્વના કોસ્ટલ રોડ પ્રોજેકટ (Coastal Road Project)ના એક તરફના ભાગને ખુલ્લો મૂકવાને લઈને એક મોટી અપડેટ આવી છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે મુંબઈના આ કોસ્ટલ રોડના એક ભાગને આઠેક દિવસમાં શરૂ કરવાંમાં આવશે. આ પ્રોજેકટનું ઉદ્ઘાટન કોણ કરશે એ બાબતે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે આ 10.58 કિલોમીટર લાંબા કોસ્ટલ રોડને કારણે વરલીના બિંદુ માધવ ચોકથી મરીન ડ્રાઈવના પ્રવાસમાં આઠ મિનિટ જેટલો ઘટાડો થશે. મુંબઈના આ મહત્ત્વના પ્રોજેકટથી દક્ષિણ મુંબઈના બે વિસ્તારોને જોડવામાં મદદ મળશે અને પ્રવાસના સમયમાં ઘટાડો થવાની સાથે લોકોને કનેક્ટિવિટી પણ મળશે.


આ પ્રોજેકટને કારણે વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચેના સફરના સમયમાં ઘટાડો થતાં વાહનોને લગતા ઈંધણમાં પણ 34 ટકાનો ઘટાડો થશે જેનો ફાયદો પર્યાવરણને થશે. કોસ્ટલ રોડ આ વિસ્તારમાં રહેનાર અને પ્રવાસ કરનાર લોકોને ઉત્તમ સગવડ પૂરી પાડશે, એમ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું.


કોસ્ટલ રોડને 31 જાન્યુઆરી 2024 સુધી પૂર્ણ કરવામાં આવવાનો હતો. આ સાથે 19 ફેબ્રુઆરી 2024ના રોડનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન પણ કરવામાં આવવાનું હતું. જોકે આ પ્રોજેકટના કામમાં મોડું થતાં ઉદ્ઘાટનની તારીખને આગળ ધકેલવામાં આવી હતી. આ પ્રોજેકટના મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી એક તરફના ભાગને શરૂ કરવાનો પ્રયત્ન શરૂ છે અને આખા પ્રોજેકટ વહેલી તકે શરૂ થાય એવી આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button