
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મુંબઈ કોસ્ટલ રોડ પર પાર્કિંગની જગ્યા નિર્માણ કરવા બાબતે કરવામાં આવેલી ફરિયાદનો તપાસ કરવાનો આદેશ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ)ને આપવામાં આવ્યો છે.
બિનસામાજિક સંસ્થા દ્વારા કોસ્ટલ રોડ પર વરલી અને હાજી અલી તથા બ્રીચ કેન્ડી પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ સ્થળો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવે છે, જે પર્યાવરણીય નિયમના પાલન કરવા બાબતે ચિંતા ઊભી કરનારી હોવાનો દાવો આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.
કોસ્ટલ રોડ પર ટાટા ગાર્ડનની દક્ષિણ તરફ ભુલાભાઈ દેસાઈ રોડ પર ૨૫૦ વાહનોની ક્ષમતા સાથે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યો છે. તો હાજી અલીમાં લોટસ જેટી પાસે ૧,૨૦૦ વાહનો અને બિંદુ માધવ ઠાકરે ચોકની નજીક વરલી ડેરી અને વરલી સી ફેસ પાસે ૨૦૦ વાહનો સાથેનું પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે.
બિનસામાજિક સંસ્થાના દાવા મુજબ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) દ્વારા આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરીની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાઈ આવ્યું છે. આ સંસ્થા દ્વારા વીસ જુલાઈના રોજ મંત્રાલયને પત્ર લખીને કોસ્ટલ રોડ પરની ૯૦ હેકટરની ખુલ્લી જગ્યાનો કોઈ પણ રહેણાંક અથવા કમર્શિયલ ઉપયોગ એ પર્યાવરણીય નિયમોનો સ્પષ્ટ ભંગ કરનારી બાબત છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે બુધવારે મહારાષ્ટ્ર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનને પત્ર લખીને કોસ્ટલ રોડ પર બનાવવામાં આવી રહેલા પાર્કિંગમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની તપાસ કરવાનો નિર્દેશઆપ્યો હતો અને જો ફરિયાદમાં તથ્ય હોય તો કાદાકીય પગલાં લેવા બાબતે પણ સૂચના આપી હતી.
જોકે પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પરનું અંડર ગ્રાઉન્ડ પાર્કિંગનું નિર્માણ સુપ્રીમ કોર્ટની મંજૂરી સાથે જ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ પ્રકારની કમર્શિયલ પ્રવૃતિને મંજૂરી આપવામાં આવી નથી પણ અમને સત્તાવાર રીતે પે એન્ડ પાર્કની મર્યાદિત સુવિધા કાયદાકીય રીતે ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે.