કોસ્ટલ રોડની દેખરેખ માટે વર્ષે રૂ. ૧૮ કરોડનો ખર્ચ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ ક્લાક વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ સાથે જ કોસ્ટલ રોડની દેખરેખ અને સમારકામ માટે દર મહિને દોઢ કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક ૧૮ કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં આવવાનો છે.
પાંચ વર્ષ માટે કોસ્ટલ રોડની દેખરેખ, સમારકામ સફાઈ જેવા કામ માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાના ખર્ચે ખાનગી કૉન્ટ્રેક્ટરને કામ સોંપવાનો સુધરાઈએ નિર્ણય લીધો છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધીનો છે.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ નજીક બીકેસી જેવા આર્થિક કેન્દ્રોની યોજના?
આ પ્રોેજેક્ટનું કામ પૂરું થયા બાદ હવે તેના સમારકામ અને દેખરેખના કામ માટે આગામી પાંચ વર્ષ માટે કૉન્ટ્રેક્ટર નીમવામા આવ્યો છે, જેમાં દેખરેખ અને સમારકામમાં મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેંટેશન સહિત નાના-મોટા કામ સહિત જુદા જુદા સાધનોની નિયમિત સફાઈ અને ટેસ્ટિંગ વગેરે કામનો સમાવેશ થાય છે.
કોસ્ટલ રોડની ઉત્તર અને દક્ષિણ તરફથી બાજુની સફાઈની જવાબદારી તેમ જ કંટ્રોલ રૂમની સફાઈ દરરોજ કરવામાં આવે છે.
તેમ જ ટનલની અંદરની દીવાલની સફાઈ અને રસ્તા પરનો કચરો અને ક્રોસ પૅસેજની સફાઈ સહિત સીસીટીવી, સ્ટ્રીટ લાઈન, સાઈન, પેસ્ટ કંટ્રોલ, બિલ્િંડગની બહારની ભાગની સફાઈ, એરકંડિશન સિસ્ટમ સહિત અન્ય સાધોની સફાઈ, ઈન્ટરનેટ અને ઈમરન્સી કોન્ટેક્ટ સિસ્ટમનું સંચાલન અને દેખરેખ વગેરે જેવા કામનો સમાવેશ થાય છે.