કોસ્ટલ રોડ પર છ બાયો-ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર દરિયા કિનારા પાસે મહત્ત્વના પ્રોમેનેડ પર મુંબઈ મહાનગરપાલિકાએ છ બાયો-ટોઈલેટ બેસાડયા છે. રાહદારીઓ માટે બનાવેલા પબ્લિક અંડર પાસ પર છ જગ્યાએ આ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. પુરુષો અને મહિલા આ બંને માટે પાંચ રૂપિયાની ફી રાખવામાં આવી છે.
બાયો-ટોઈલેટની સુવિધા કોસ્ટલ રોડ પર પબ્લિક અંડર પાસ(પીયૂપી) પર મહત્ત્વની જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમરસન્સ ગાર્ડન નજીક ( પીયૂપી નંબર-બે), આકૃતિ બિલ્ડીંગ પાર્કિંગ એરિયા (પીયૂપી નંબર-ચાર), હાજી અલી જંકશન (પીયુપી નંબર-છ), વરલી ડેરીની સામે (પીયુપી નંબર-૧૧), બિંદુમાધવ ઠાકરે ચોક (પીયુપી નંબર ૧૨) નજીક અને ખાન અબ્દુલ ગફ્ફર રોડ પર બિંદુમાધવ ઠાકરે ચોકની ઉત્તર દિશા (પીયુપી નંબર-૧૪)નોે સમાવેશ થાય છે. કુલ મળીને છ સ્થળોએ રાહદારીઓમાટે સ્વચ્છ જાહેર શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ અત્યાધુનિક મોડ્યુલ બાયો-ડિગ્રેડેબલ શૌચાલય ૨૦ બાય ૨૦ બાય ૮ ફૂટના છ અને સૌર ઉર્જા આધારિત હશે, જેમાં મહિલા માટે બે, પુરુષો માટે બે (એક વેસ્ટર્ન અને એક ઈન્ડિયન), બાળકો માટે એક અને દિવ્યાંગ માટે એક હશે. વધારાની સુવિધાઓમાં છ યુરીનલ, ત્રણ વોશબેસિન, ત્રણ સેન્સર આધારિત ફ્લશ સિસ્ટમ, ત્રણ સાબુ ડિસ્પેન્સર, એક સેનિટરી પેડ ઈન્સિનેરેટર, એક સેનિટરી પેડ વેન્ડિંગ મશીન, ૧,૦૦૦ લિટર પાણીની ક્ષમતાની ટાંકી, ૩,૦૦૦ લિટર ડીઆરડીઓ બાયો ડાયજેસ્ટરની સુવિધાનો સમાવેશ થાય છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કચરાનો નિકાલ કરવા અને વીજળીનો ઉપયોગ મર્યાદિત રાખવા માટે અત્યાધુનિક મોડ્યુલર શૌચાલયો બેસાડવામાં આવ્યા છે. કોસ્ટલ રોડ પર પ્રોમોનેડ પર ફરવા આવેલા પર્યટકો સહિત સ્થાનિકોને માટે અહીં નજીવી ફી દ્વારા સ્વચ્છ શૌચાલય ઉપલબ્ધ થશે.

કોસ્ટલ રોડ પર ૭.૨૫ કિલોમીટર લાંબો પ્રોમોનેડ પ્રિયદર્શની પાર્કથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધી ફેલાયેલો છે, જે પ્રખ્યાત ૩.૫ કિલોમીટર લાંબા મરીન ડ્રાઈવ પ્રોમોનેડની લંબાઈના બમણાથી વધુ છે, જેમાં પ્રિયદર્શની પાર્કથી હાજી અલી સુધીનો ૨.૭૫ કિલોમીટરનો પટ્ટો અને બરોડા પેલેસથી વરલી સીફેસ સુધીનો ૨.૫ કિલોમીટરનો પટ્ટો જે ૧૫ ઑગસ્ટના નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.



