આમચી મુંબઈ

ઠાકરે સેનાના ૧૦૦થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ ભૂત પૂર્વ નગરસેવકોની સાથે નવા ચહેરાઓને મળી તક..

ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર વેઈટિંગ મોડમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૬માં થનારી ચૂંટણી આ વખતે ઉદ્ધવ ઠાકરેને તેમના પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બહુ મહત્ત્વની સાબિત થવાની છે. શિવસેનામાં ભાગલા થયા બાદ પક્ષના અનેક ભૂતપૂર્વ નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ ગયા છે, તેથી ઉદ્ધવ ઠાકરે પાસે ગણ્યાગાંઠયા ભૂતપૂર્વ નગરસેવકો બચ્યા હોઈ તેમની સાથે જ પક્ષના જૂના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને પક્ષમાં રહેલા યુવા અને મહિલા ચહેરાને તક આપી છે. યુબીટીએ ૧૦૦થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ વહેંચ્યાં હતાં. મોટાભાગના ઉમેદવારો આજે જઈને ઉમેદવારી દાખલ કરશે.

શિવસેના અને મનસે આ વખતની ચૂંટણી સાથે લડવાના છે અને બંને ભાઈઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપ અને શિંદે સેનાને મળીને સામનો કરવાના છે. બંને પક્ષો બેઠકની વહેંચણીને મુદ્દે ફાઈનલ થયા બાદ છેલ્લે સુધી સત્તાવાર રીતે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યાં નહોતાં. બળવાના ડરે છેલ્લે સુધી નામ જાહેર કરવાને બદલે ઉદ્ધવની યુબીટીએ માતોશ્રીમાં બોલાવીને સોમવાર સાંજ સુધીમાં ૧૦૦થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપ્યાં હતાં, જેમાં અનેક યુવા નેતા અને મહિલાઓનો સમાવેશ થાય છે.

વર્ષોથી પક્ષ માટે કામ કરનારા અને શિંદે ગ્રૂપમાં અનેક લોકો જોડાઈ ગયા બાદ પણ ઉદ્ધવ સાથે રહેનારા લોકોએ ઉમેદવારી નહીં મળતા પક્ષના અનેક નિષ્ઠાવાન અને વરિષ્ઠ કાર્યકર્તાઓે તેમને ઉમેદવારી નહીં મળવાને કારણે જાહેરમાં નારાજગી દર્શાવી હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ નારાજ થયેલા લોકોને સમજાવ્યા હોવાનું કહેવાય છે.

‘એબી’ફોર્મ વહેંચ્યા તેમાં ભૂતપૂર્વ નગરસેવકોમાં વોર્ડ નંબર ૫૯ શૈલેશ ફણસે , વોર્ડ નંબર ૫૪માંથી અંકિત પ્રભુ જેઓ ભૂતપૂર્વ મેયર અને વિધાનસભ્ય સુનીલ પ્રભુના પુત્ર છે તેને ઉમેદવારી આપી છે. વોર્ડ નંબર ૬૨માંથી ઝીશાન ચંગેજ મુલતાની વોર્ડનંબર ૬૩માંથી ભૂતપૂર્વ નગરસેવક દેવેન્દ્ર(બાળા) આંબેકર, વોર્ડ ૬૪માંથી સબા હારુન ખાન, વોર્ડ નંબર ૮૭માંથી ભૂતપૂર્વ દિવંગત મેયર વિશ્ર્વનાથ મહાડેશ્ર્વરના પત્ની પૂજા મહાડેશ્ર્વર, ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉત, ભૂતપૂર્વ નગરસેવક સચિન પડવળ, રમાકાંત નરહાડે, મિલિંદ વૈદ્ય વગેરેને સમાવેશ થાય છે.

કિશોરી પેડણેકરને હાશકારો

શિવસેના (યુબીટી)એ સોમવારે ૧૦૦થી વધુ ઉમેદવારને ‘એબી’ ફોર્મ આપ્યાં હતાં પણ ભૂતપૂર્વ મેયર અને સેનાના પ્રવક્તા કિશોરી પેડણેકરનું નામ સાંજ સુધી જાહેર થયું નહોતું મોડી સાંજ સુધી તેમને એબી ફોર્મ મળ્યું નહોતું, તેથી તેમના સહિત તેમના સમર્થકોની ધકધક વધી ગઈ હતી. બે વખત તેમણે માતોશ્રીના પગથિયા ચઢયા બાદ છેક મોડી સાંજ બાદ તેમને ‘એબી’ ફોર્મ મળતા હાશકારો અનુભવ્યો હતો. ૨૦૧૭ની પાલિકાની ચૂંટણીમાં કિશોરી દક્ષિણ મુંબઈના વોર્ડ નંબર ૧૯૯માંથી ચૂંટણી લડયાં હતાં અને ત્યારબાદ તેઓ મેયર પણ બન્યાં હતાં.

પ્રભાદેવી-દાદરમાં બે સેના વચ્ચે રસાકસીનો જંગ થશે

શિવસેનામાં ભંગાણ પડયા બાદ મરાઠીઓની બહુમતી ધરાવતા પ્રભાદેવી-દાદર વિસ્તારમાં શિંદે-ઉદ્ધવ સેના વચ્ચે બરોબરની ટક્કર જોવા મળે એવી શકયતા છે. વોર્ડ નંબર ૧૯૨ અને ૧૯૪ માટે ઉદ્ધવ સેના અને મનસે બંને પોતાની પાસે ઈચ્છતા હતા. છેવટે ભારે ચર્ચા બાદ ૧૯૨ વોર્ડ મનસેને તો ૧૯૪ સેનાને ફાળે ગયો છે. ઉદ્ધવ સેનાએ અહીં વિધાન પરિષદના સભ્ય સુનીલ શિંદેના ભાઈ નિશિકાંત શિંદેને એબી ફોર્મ આપ્યું છે. સુનીલ શિંદેએ આદિત્ય ઠાકરે માટે પોતાનો વરલી મતદાર સંઘ છોડયો હતો અને તેના ઈનામરૂપે તેમને શિવસેનામાંથી વિધાનપરિષદમાં મોકલવામાં આવ્યા હતા. એ બાદ તેમણે પોતાના ભાઈ માટે ૧૯૪ બેઠક માટે ઉમેદવારી માગી હતી. એકનાથ શિંદે તરફથી આ વોર્ડમાં સમાધાન સરવણકરને ઉમેવારી પાક્કી માનવામાં આવે છે. સેનામાં ભાગલા પડયા ત્યારે એક સમયે આદિત્ય ઠાકરેના ખાસ ગણાતા સમાધાન સરવણકર શિંદે સેનામાં જોડાઈ ગયા હતા.

સંબંધિત લેખો

Back to top button