મુંબઈમાં થયો શહેરનો સૌથી મોટો 52,000,000,000 કરોડનો સોદો…
મુંબઈઃ મુંબઈ શહેર એટલું ગીચ થઈ ગયું છે કે હવે અહીં કંઈ પણ નવું બાંધકામ કરવા કે નવું કંઈ બનાવવા માટે જગ્યા જ નથી. સમયની સાથે મુંબઈનો ચહેરોમહોરો પણ બદલાયો અને શહેરની એવી કાયાપલટ થઈ ગઈ કે જોનારાઓ પણ અવાક થઈ ગયા છે.
પ્લોટ અને ઘરની કિંમતો આસમાનને આંબી રહી છે અને મુંબઈમાં ઘર ખરીદવાનું સપનું ખાલી સપનું જ બનીને રહી ગયું છે. પણ કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ જોવા મળે છે, કારણ કે ધનવાન લોકો માટે આ ડાબા હાથનો ખેલ છે. આજે આપણે અહીં આવા જ એક સોદા વિશે વાત કરીશું. આ સોદાને કારણે દેશની નજર મુંબઈ તરફ વળી છે.
વાડિયા ગ્રુપની માલિકીના બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમીટેડ કંપનીએ મુંબઈની વરલી ખાતે રહેલો 22 એકરના પ્લોટને રૂ.52,000,000,000 એટલે કે 5200 કરોડમાં વેચવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. આ પ્લોટ હવે જાપાની કંપની સુમિતોમો રિયલ્ટી એન્ડ ડેવલમેન્ટ કંપની લિમિટેડની સબ્સિડિયરી ગોઈસુ રિયલ્ટીને વેચવામાં આવવાનો હોઈ શહેરની આ અત્યાર સુધીની સૌથી મોટી પ્રોપર્ટી ડિલ બની ગઈ છે.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ડિલ બે તબક્કામાં કરવામાં આવશે. પહેલાં તબક્કામાં ગોઈસુ રિયલ્ટી પાસેથી 4,675 કરોડ રૂપિયા આપવામાં આવશે અને બાકીના 525 કરોડ રૂપિયા બોમ્બે ડાઈંગ કંપનીની શરત પૂરી થયા બાદ બીજા તબક્કામાં આપવામાં આવશે.
અત્યારે વેચાયેલા આ પ્લોટ પર જ વાડિયા ઈન્ટરનેશન સેન્ટર શરૂ થવાનું હતું, પણ ગયા અઠવાડિયામાં જ તેને શિફ્ટ કરીને કંપનીના અધ્યક્ષપદે રહેલાં નસ્લી વાડિયાની ઓફિસ પણ દાદર-નાયગાવ ખાતે આવેલી બોમ્બે ડાઈંગની જગ્યામાં ખસેડવામાં આવશે.
મહારાષ્ટ્રની મિલ લેન્ડ પોલિસી અનુસાર બોમ્બે ડાઈંગે નાયગાંવ ખાતે 8 એકર જગ્યા પાલિકાને ગાર્ડન પુનર્નિમાણના કામ માટે આપવામાં આવી, આઠ એકરનો પ્લોટ મ્હાડાને આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 82,000 ચોરસ ફૂટનો પ્લોટ ડેવલપરને કન્સ્ટ્રક્શન માટે ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે.