આમચી મુંબઈ

મુંબઈ ઠંડુગાર: મોસમનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન, નવા વર્ષમાં શિયાળો જામશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૮.૭ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો હજી નીચે જવાની શક્યતા છે. એટલે કે નવા વર્ષમાં મુંબઈગરાને શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ માણવા મળે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

મુંબઈમાં ડિસેમ્બર પૂરો થવાનો છે, છતાં શિયાળો હજી જોઈએ એ મુજબનો જામ્યો નથી. મુંબઈગરા હાલ ગરમી-ઠંડી જેવા મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. રાતના ઠંડી અને દિવસના ગરમ વાતાવરણ રહેતું હોય છે. જોકે મુંબઈમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લઘુત તાપમાનનો ખાસ્સો એવો નીચે ઉતર્યો છે.

રવિવારે ૧૮.૯ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયા બાદ મંગળવારે તેમાં હજી ઘટાડો થઈને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૭ ડિગ્રી નોંધાયો હતો. મંગળવારનો દિવસ મુંબઈમાં ચાલુ મોસમનો અત્યાર સુધીની સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ આગામી દિવસમાં મુંબઈમાં શિયાળો ધીમે ધીમે જામશે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં લઘુતમ તાપમાનનો પારો હજી નીચે ઉતરવાની અને ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

મુંબઈમાં એક તરફ લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તો દિવસના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮.૭ તો મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી નોંધાયું હતું. તો તેની કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી રહ્યું હતું.

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તર દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે મુંબઈમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. મુંબઈમાં આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ૧૯થી ૨૦ ડિગ્રીની આસપાસ નોંધાવાનું ચાલુ રહેશે ત્યારબાદ તાપમાન વેસ્ટર્ન ડીર્સ્ટનબન્સ પર આધાર રાખશે. જોકે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લઘુતમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે.

મુંબઈમાં એક્યુઆઈ ૧૫૫
મુંબઈમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત કથળી રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૫૫ નોંધાયો હતો. તો બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં ૨૭૮, કોલાબામાં ૧૮૦, મઝગાંવમાં ૧૨૮, અંધેરીમાં ૧૫૧, ભાંડુપમાં ૧૪૭, મલાડમાં ૨૩૦, બોરીવલીમાં ૧૮૨ જેટલો નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button