ચેમ્બુરના ઘરમાં લાગેલી આગ સાત સભ્યોના પરિવારને ભરખી ગઈ, આ રીતે પ્રસરી આગ

મુંબઈ: આજે વહેલી સવારે મુંબઈના ચેમ્બુરમાં આગની દર્દનાક ઘટના (Fire accident in Chambur) બની હતી. સિદ્ધાર્થ કોલોનીના એક ઘરમાં આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. મૃતકોમાં એક 7 વર્ષની બાળકી અને 10 વર્ષના છોકરાનો પણ સામેલ છે.
અહેવાલ મુજબ, આ ઘટના સવારે સાડા ચારથી પાંચ વાગ્યાની વચ્ચે બની હતી. ઘરની નીચે કરિયાણાની દુકાન હતી અને દુકાનની ઉપર 2 માળનું નાનું ઘર હતું. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હતી અને ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
મૃતકોની ઓળખ 7 વર્ષની પેરિસ ગુપ્તા, 10 વર્ષના નરેન્દ્ર ગુપ્તા, 30 વર્ષની મંજુ પ્રેમ ગુપ્તા, 39 વર્ષની અનિતા ગુપ્તા, 30 વર્ષની પ્રેમ ગુપ્તા, વિધિ ગુપ્તા અને ગીતા ગુપ્તા તરીકે થઈ છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગઈ કાલે પણ મુંબઈમાં આગની ઘટના:
બીજી ઘટનામાં શનિવારે રાત્રે ‘ભારત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ’ની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીએ કહ્યું કે શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે આગને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી