Central Railwayમાં Mega Blockને કારણે પ્રવાસીઓના ‘Mega’હાલ, ધસારાના સમયે સ્ટેશનો પર ભીડ

મુંબઈઃ આજથી મધ્ય રેલવે (Central Railway)માં સળંગ ત્રણ દિવસનો મેગા બ્લોક (Three Day Mega Block) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં થાણેમાં 63 કલાક અને સીએસએમટી ખાતે 36 કલાક એમ કુલ 99 કલાકનો બ્લોક રહેશે. બ્લોકને કારણે પ્રવાસીઓને ધસારાના સમયે પ્રવાસ કરતી વખતે પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનો પણ 25-30 મિનિટ મોડી પડી હતી, જેને કારણે થાણે અને ડોંબિવલી જેવા મહત્ત્વના સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી.
મધ્ય રેલવે દ્વારા થાણે ખાતે પ્લેટફોર્મ નં. 5 અને 6ની પહોળાઈ વધારવા અને સીએસએમટી ખાતે પ્લેટફોર્મ નંબર 10 અને 11ની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને કારણે આજથી જ ત્રણ દિવસનો મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે 930 જેટલી લોકલ ટ્રેનો અને 72 જેટલી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવશે.
દરમિયાન સવારે ધસારાના સમયે ટ્રેનો 25થી 30 મિનિટ મોડી પડતાં થાણે અને ડોંબિવલી જેવા સ્ટેશન પર ભીડ જોવા મળી હતી. આ સિવાય ડોંબિવલીથી થાણે પહોંચવા માટે સામાન્યપણે 25 મિનિટનો સમય લાગે છે, પરંતુ આજે આ જ અંતર કાપવા માટે પ્રવાસીઓને 50 મિનિટનો સમય લાગ્યો હતો, એવી ફરિયાદ કલ્યાણથી સીએસએમટી વચ્ચે પ્રવાસ કરતાં એક પ્રવાસીએ કરી હતી.
આ પણ વાંચો : મધ્ય રેલવેના મેગાબ્લોક દરમિયાન બેસ્ટ દોડાવશે વધારાની બસ
રેલવે દ્વારા જાહેર કરવામાં બ્લોકને કારણે બેસ્ટ અને એસટી મહામંડળ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વધારાની બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પુણે-મુંબઈ વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે પુણેથી મુંબઈ જવા 40 બસ અને મુંબઈથી પુણે જવા માટે 40 બસ દોડાવવામાં આવશે.
દરમિયાન બપોર બાદ પરિસ્થિતિ થોડી નિયંત્રણમાં આવી હતી અને ટ્રેનો પાંચેક મિનિટ મોડી પડી હતી અને ભીડ પણ ઓછી જોવા મળી હતી.