મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ પર હંગામીધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ

મુંબઈઃ હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવાની સાથે મુંબઈ ડિવિઝનના મહત્ત્વના સ્ટેશન પર પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કર્યું છે. રેલવેએ આ મુદ્દે જણાવ્યું હતું કે પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝિનમાં ખાસ તો મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ કર્યું છે.
મુંબઈ ડિવિઝનના અન્ય સ્ટેશનમાં વાપી, વલસાડ, ઉધના અને સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 16 માર્ચ સુધી આ પ્રવાસીઓને પ્લેટફોર્મની ટિકિટ વેચવામાં આવશે નહીં, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બેફામ ટિકિટનું વિતરણ અને રેલવેના અધિકારીનું અનાઉન્સમેન્ટ, 18ના મોતનું કારણ બન્યું
સિનિયર સિટિઝન, મહિલા સહિત બાળકોને ખાસ કરીને ટ્રેનમાં સારી રીતે પ્રવાસ કરે એના માટે મદદ કરવાની પણ પ્રવાસીઓને રેલવેએ અનુરોધ કર્યો છે. પ્લેટફોર્મની ટિકિટ પરના વેચાણમાં પ્રતિબંધ માટેનો ઉદ્દેશ ખાસ કરીને ભીડવાળા સ્ટેશનમાં વધુ ભીડ થાય નહીં અને કોઈ હોનારતનું નિર્માણ થાય નહીં તેનો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં સુરત-ઉધના રેલવે સ્ટેશન પરથી પ્રવાસીઓ વતન જવા માટે વિશેષ ધસારો જોવા મળે છે, તેથી સુરક્ષાના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુંબઈ, અમદાવાદ, સુરત ડિવિઝનમાંથી પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી.