કર્ણાક બ્રિજ પાંચ જૂનને ખુલ્લો મુકાશે રેલવેએ બ્લોક આપ્યો તો 428 મેટ્રિક ટનના બીજા ગર્ડરને 19 જાન્યુઆરી સુધી બેસાડવાનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી અમુક અંતરે આવેલા અને પી. ડી‘મેલો માર્ગને જોડનારા ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બ્રિજને ફરી બાંધવામાં આવી રહ્યો છે. રેલવે તરફથી જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બ્લોક મળી જાય તો બીજા ગર્ડરને લોન્ચ કરીને જૂન, ૨૦૨૫ સુધી બ્રિજને ખુલ્લો મૂકવાનું સુધરાઈનું આયોજન છે. આ પ્રોજેકેટ અંતર્ગત ૫૧૬ મેટ્રિક ટન વજનનો દક્ષિણ બાજુનો પહેલો લોખંડના ગર્ડરને રેલવે પાટા ઉપર બેસાડી દેવામાં આવ્યો છે.
દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મોહમ્મદ અલી રોડ પરિસરમાં વાહનવ્યવહાર માટે કર્ણાક બ્રિજ મહત્ત્વનો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને મસ્જિદ બંદરને જોડતો ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બંદર રોડ આરઓબીને ૨૦૧૪માં ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હેન્કૉક બ્રિજના ચાલી રહેલા કામ અને ત્યાં રહેલા અતિક્રમણને કારણે કર્ણાક બંદર બ્રિજને તોડી પાડીને નવેસરથી બાંધવાનું કામ અટવાઈ ગયું હતું. કર્ણાક બંદર બ્રિજમાં પહેલા ગર્ડરને લોન્ચ કરવાથી લઈને લગભગ ૮૦ ટકા કામ થઈ ગયું છે અને હવે નવા વર્ષમાં જાન્યુઆરીમાં જો રેલવે બ્લોક આપે છે તો બીજા ગર્ડરને લોન્ચ કરવાનું કામ હાથ ધરવામાં આવશે.
એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે કર્ણાક પુલના બીજા બાજુના લોખંડના ગર્ડરના ૪૨૮ મેટ્રિક ટનના લગભગ ૮૩ છૂટા ભાગ પ્રોજેક્ટ સ્થળે દાખલ થયા છે. તો બાકીના છૂટા ભાગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી પ્રોજેક્ટ સ્થળે દાખલ થશે. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ગર્ડરના છૂટાભાગને જોડીને ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ના ટ્રાયલ રન લેવામાં આવશે અને ૧૮ અને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫માં રેલવે બ્લોક મળે તે માટે રેલવે પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે. જો રેલવે બ્લોક મળે છે તો ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ગર્ડર બેસાડવાનું કામ પૂરું કરવામાં આવશે.
Also read: Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ
વધુ માહિતી આપતા અભિજિત બાંગરે જણાવ્યું હતું કે રેલવે લાઈન પર ગર્ડર બેસાડવાનું કામ પૂરું થયા બાદ આગળના કામનું આયોજન કરીને તબક્કાવાર કેટલો સમય લાગશે તે નક્કી કરવામાં આવશેે. હાલ ગર્ડરના છૂટાભાગને જોડવાનુ, ગર્ડરને બેસાડવાનું, પૂર્વ અને પશ્ર્ચિમ દિશામાં એપ્રોચ રોડ બાંધવાનું કામનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એપ્રોચ રોડ માટે પાઈલ ફાઉન્ડેશનના પહેલા તબક્કાનું કામ ૧૫ માર્ચ, ૨૦૨૫ સુધી પૂરું કરવાનુ અને ૧૭ એપ્રિલ, ૨૦૨૫ સુધી થાંભલા ઊભા કરવાનું અને ૩ મે, ૨૦૨૫ સુધી એપ્રોચ રોડનું કૉંક્રીટકરણ તેમ જ પહેલી જૂન, ૨૦૨૫ના લોડ ટેસ્ટ કરવાનું આયોજન છે. જો આ તમામ કામ ટાઈમટેબલ મુજબ થયા તો પાંચ જૂન, ૨૦૨૫ સુધી કર્ણાક પૂલને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. જોકે તે માટે ૧૮ અને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રેલવેએ બ્લોક મંજૂર કરવો આવશ્યક છે.