મુંબઈમાં ઓસી વગરની 25,000થી વધુ ઇમારતોને નવી નીતિ હેઠળ નિયમિત કરવામાં આવશે: પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન આશિષ શેલારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાનગરમાં 25,000થી વધુ ઇમારતો એવી છે જેમને લાંબા સમયથી ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) નકારવામાં આવી છે, આ બધી ઈમારતોને ટૂંક સમયમાં નવી સરકારી નીતિ હેઠળ નિયમિત કરવામાં આવશે.
આગામી પાલિકાની ચૂંટણીઓ પહેલાં લેવાયેલું આ પગલું, લાખો મુંબઈગરાને મોટી રાહત આપશે જેઓ વર્ષોથી આવી ઇમારતોમાં રહેતા હતા, પરંતુ તકનીકી રીતે તેમને ‘અનધિકૃત કબજેદારો’ ગણવામાં આવતા હતા.
આપણ વાંચો: ૧૮ વર્ષ પછી નવી હાઉસિંગ પોલિસી જાહેર
તેમણે જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી), નગર વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ અને સહકાર વિભાગની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
‘બીએમસીના વિકાસ નિયંત્રણ નિયમો તેમજ મ્હાડા, એસઆરએ અને અન્ય સત્તાવાળાઓના પ્રોજેક્ટ્સ હેઠળ બાંધવામાં આવેલી ઇમારતોને ઓસી આપવા માટે એક નીતિ બનાવવામાં આવી રહી છે. અનેક કારણોસર, આવી ઇમારતોને પ્રમાણપત્રો મળ્યા નથી,’ એમ શેલારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળના નિયમોમાં ખામીઓ અથવા વિકાસકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે આ સમસ્યાઓ ઊભી થઈ હતી. ‘નગર વિકાસ વિભાગ બીજી ઓક્ટોબરથી આવી સમસ્યાઓનો ઉકેલ લાવવા અને સરળ રીતે ઓસી આપવા માટે નવી નીતિ લાગુ કરશે,’ એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતમાં 40 હજારથી વધુ સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 શાળાને જ A પ્લસ ગ્રેડ મળ્યો
તેમણે કહ્યું હતું કે, બાંધકામ દરમિયાન ટેકનિકલ અથવા વહીવટી ભૂલો, ફ્લોર સ્પેસમાં વિસંગતીઓ, ‘સેટબેક સમસ્યાઓ’ અથવા નિયમોમાં ફેરફારને કારણે ઓસી રોકવામાં આવેલી ઇમારતો હવે રાહત માટે પાત્ર રહેશે.
‘ડેવલપર્સ જરૂરી ફ્લેટ અથવા જગ્યાઓ અધિકારીઓને સોંપવામાં નિષ્ફળ ગયા હોય તેવા કિસ્સાઓમાં પણ, રહેવાસીઓને દંડ કરવામાં આવશે નહીં. પ્રક્રિયા પારદર્શક અને ઓનલાઈન પદ્ધતિએ હાથ ધરવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
મંત્રીએ હાઉસિંગ સોસાયટીઓને ઓસી માટે અરજી કરવાની પહેલ કરવા વિનંતી કરી હતી.
‘સોસાયટી નવી નીતિ હેઠળ પાર્ટ-ઓસી માટે સંયુક્ત રીતે અથવા વ્યક્તિગત રીતે અરજી કરી શકે છે. જો પ્રથમ છ મહિનાની અંદર અરજી સબમિટ કરવામાં આવે છે, તો કોઈ દંડ લાદવામાં આવશે નહીં. જો કે, વધારાના એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) ઉપયોગના કિસ્સામાં, લાગુ પ્રીમિયમ ચૂકવવું પડશે,’ એમ શેલારે જણાવ્યું હતું.