આમચી મુંબઈ

જળપ્રદૂષણ રોકવા ગંદા પાણી પર પ્રક્રિયા થશે…

ઘાટકોપરથી ભાંડુપ કૉમ્પ્લેક્સ સુધી અંડરગ્રાઉન્ડ વોટર ટનલ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઘારાવીથી ઘાટકોપર અને આગળ ભાંડુપ કૉમ્પ્લેક્સ સુધી તૃતીય સ્તરે શુદ્ધ કરેલા પાણીને પહોંચાડવા માટે ૯૭૦ મિલ્યન લિટર એમએલડીની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ ટનલ બાંધવાની મુંબઈ મહાનગરપાલિકાએ યોજના હાથ ધરી છે. આ વોટર ટનલને નિર્માણને લગતી પ્રાથમિક કામગીરી હાલમાં ચાલી રહી છે.

સાત નવા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બાન્દ્રા, વરલી, ધારાવી, વર્સોવા મલાડ, ઘાટકોપર અને ભાંડુપમાં દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર (એમએલ) ગંદા પાણી પર બીજા અને ત્રીજા સ્તરની પ્રક્રિયા થશે. હાલમાં ગંદા પાણી પર પ્રાથમિક સ્તરની પ્રક્રિયા કરીને તેને ખાડી, નદી અને અરબી સમુદ્રમાં ઠાલવવામાં આવે છે પણ હવેથી બીજા અને ત્રીજા સ્તરની પાણી પરની પ્રક્રિયાને કારણે દરિયામાં પ્રદૂષણનુંં પ્રમાણ ઘટશે. આ પ્રોજેક્ટ ૫૦ ટકા ગંદા પાણી પર તૃતીય સ્તરની પ્રક્રિયા કરવાની યોજના ધરાવે છે.

ઘાટકોપર એસટીપીથી ભાંડુપ એસટીપી અને આગળ ભાંડુપ કૉમ્પ્લેક્સ સુધી ત્રીજા સ્તરની પ્રક્રિયા કરેલા શુદ્ધ પાણીના પરિવહન માટે પાઈપલાઈન માટે હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ તાજેતરમાં ભાંડુપ કૉમ્પ્લેક્સ પ્રોેજેક્ટ સાઈટસની મુલાકાત લીધી હતી.

ટનલ બોરિંગ મશીન(ટીબીએમ)નો ઉપયોગ કરીને પહેલી ટનલ ખોદવામાં આવવાની છે. ભાંડુપ કૉમ્પ્લેક્સથી ભાંડુપ એસટીપી વચ્ચે ૪,૩૬૫ મીટરનું અંતર છે. ભાંડુપ કૉમ્પ્લેક્સમાં જમીનની નીચે ૧૭૫ મીટર ઊંડાઈએ લૉન્ચિંગ શાફ્ટ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં શાફ્ટનું ૪૫ મીટરનું ખોદકામ પૂર્ણ થયું છે, જ્યારે ભાંડુપ એસટીપીમાં ૧૦૪ મીટર ઊંડાઈએ રીટ્રાઈવલ શાફ્ટ (પુનર્પાપ્તી)ની યોજના છે.

બીજા ટીબીએમની મદદથી ભાંડુપ એસટીપી અને ઘાટકોપર એસટીપી વચ્ચે પ્રસ્તાવિત ટનલના ખોદકામ માટે આવશ્યક અલાઈનમેન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અંતર ૭,૨૪૫ મીટરનું છે. ભાંડુપ એસટીપીમાં ૧૫૫ મીટર ઊંડાઈએ લૉન્ચિંગ શાફ્ટ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેમાંથી શાફ્ટનું ખોદકામ ૭.૭ મીટર ઊંડાઈ સુધી પૂર્ણ થયું છે. એકંદરે આ પ્રોજેક્ટમાં ૧૧,૬૧૦ મીટર ટનલિંગનો સમાવેશ થાય છે.

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે એસટીપી પ્રોજેક્ટ ગંદા પાણીમાંથી ઘનકચરો, હાનિકારક રસાયણ અને રોગ પેદા કરતા જીવાણુઓને દૂર કરે છે અને પાણીના પુર્ન ઉપયોગ માટે સુરક્ષિત બનાવે છે અને કુદરતી જળ સ્રોત પર દબાણ ઓછું કરશે. વધતી જતી વસતી અને ઝડપી શહેરીકરણ સાથે સ્યુએજ ટ્રીટમેન્ટ એ શહેરી માળખાકીય સુવિધાઓનો આવશ્યક ભાગ છે.
સાત એસટીપીને અપગ્રેડ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લગભગ બે દાયકાથી અટકી પડયો હતો અને મે, ૨૦૨૨માં લગભગ ૨૫,૯૬૩ કરોડ રૂપિયાના ખર્ચે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં વિલંબ થવાને કારણે અને જીએસટીમાં છ ટકા વધારાને કારણે પ્રોજેક્ટની કિંમત ૨૭,૩૦૯.૮૯ કરોડ થઈ ગઈ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button