સફાઈ કર્મચારીઓની હડતાલ હાલ પૂરતી ટળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન અને અન્ય ખાતામાં ખાનગી કૉન્ટ્રેક્ટર નીમવાનો નિર્ણય રદ કરવો એ માગણી સાથે પાલિકાના ઘનકચરા, આરોગ્ય અને પરિવહન ખાતાના કર્મચારીઓ ગુરુવારે આઝાદ મેદાનમાં મોર્ચો કાઢ્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કામગાર સંઘટનોની બેઠક થઈ હતી, તેમાં મુખ્ય પ્રધાને કામગાર સંઘટનોને તેમની માગણીઓની પૂર્તતા બાબતે આશ્ર્વાસન આપ્યું હતું. તેથી મ્યુનિસિપલ કામગાર એક્શન કમિટીના નેતૃત્વ હેઠળના કામગાર સંઘટનોએ હાલમાં ૨૩ જુલાઈ સુધી હડતાલ સ્થગિત કરી છે. મુખ્ય પ્રધાને આશ્ર્વાસન આપ્યા બાદ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે બહુ જલદી કર્મચારીઓના યુનિયનની બેઠક થવાની છે. તેમાં લેખિતમાં કરાર કરવામાં આવશે. જો કરાર સકારાત્મક અને કર્મચારીઓની અપેક્ષા મુજબનો નહીં હોય તો ૨૩ જુલાઈથી હડતાલ બાબતે નિર્ણય લેવામાં આવશે એવું કર્મચારીઓના યુનિયને કહ્યું હતું.