પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા મોટા ડિફોલ્ટરો મિલકતની જપ્તીની નોટિસ:

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નિર્ધારિત સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ટાળનારા તેમ જ આર્થિક ક્ષમતા હોવા છતાં ટેક્સ નહીં ભરનારા મોટા ડિફોલ્ટરોને પાલિકા પ્રશાસન તરફથી કલમ ૨૦૩ અંતગર્ત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આપેલી મુદતમાં ટેક્સ નહીં ભર્યો તો પાલિકાના નિયમમાં રહેલી જોગવાઈ મુજબ સંબંધિત મિલકતને જપ્ત કરીને તેની લિલામી કરવામાં આવશે એવા ચોખ્ખા શબ્દોમાં પાલિકાએ ડિફોલ્ટરોને નોટિસ આપી છે.
પ્રોપર્ટી ટેક્સ એ પાલિકાની આવકનો મુખ્ય સ્રોત છે. પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા બાદ ૯૦ દિવસની અંદર પ્રોપર્ટી ટેક્સ પાલિકાને જમા કરવો આવશ્યક છે. આ સમયગાળામાં ટેક્સ નહીં ભર્યો તો પાલિકા તરફથી તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ટેક્સ નહીં ભરનારા લોકોને ડિમાન્ડ લેટર મોકલવામાં આવે છે ત્યારબાદના તબક્કામાં પ્રોપર્ટી ટેક્સધારકોને ૨૧ દિવસની અંતિમ નોટિસ આપવામાં આવે છે ત્યારબાદ ડિફોલ્ટરોની પ્રોપર્ટીની જપ્તી અને પછી લિલામીની કાર્યવાહી કરવામાં આવે છે.
અનેક મોટા ડિફોલ્ટરોએ હજી સુધી ટેક્સ ભર્યો નથી. તેમને અનેક વખત સૂચના આપ્યા બાદ અને નોટિસ બાદ પણ પ્રતિસાદ નહીં આપતા તેમને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. દંડની રકમ સહિત બાકી રહેલી રકમનો સમાવેશ થાય છે. પાલિકાના નિયમ મુજબ લિલામીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેથી નોટિસ મળ્યા બાદ પ્રોપર્ટી ટેક્સ ધારકોને આ કાર્યવાહી ટાળવા માટે તાત્કાલિક રકમ ભરવાનો નિર્દેશ પ્રશાસને આપ્યો છે.
નવ ફેબ્રુઆરીના કર ભરવા માટે ટોપ-૨૦ પ્રોપર્ટીધારકોને પાલિકાએ ટેક્સ ચૂકવવા માટે નોટિસ મોકલી હતી.



