કબૂતરોને નિયંત્રિત માત્રામાં ખાદ્ય પદાર્થ આપવાની તૈયારી: સુધરાઈએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મગાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કબૂતરોેને નિયંત્રિત માત્રામાં (કંટ્રોલ ફીડિંગ) ખાદ્ય પદાર્થ આપવા બાબતે મુંબઈ મહાનગર પાલિકા વિચાર કરી રહી છે. આ બાબતે આવેલી ત્રણ અરજી પર મુંબઈ હાઈ કોર્ટના આદેશ અનુસાર પાલિકાએ નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યા છે.
મુંબઈના કબૂતરખાનાઓને બંધ કરવાના હાઈ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ દાદરના હેરિટેજ કબૂતરખાનું સહિત મુંબઈના અન્ય કબૂતરખાનાને બંધ કરી દેતા અહિંસાપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.
કબૂતરોને ચણ નાખવાનો આખો વિવાદ કોર્ટમાં પહોંચી ગયો છે. કબૂતરોને ખાદ્ય પદાર્થ આપવાનો વિવાદ હવે ગુજરાતી અને મરાઠી ભાષા સુધી પહોંચી ગયો છે. કબૂતરોને ખાદ્ય પદાર્થ આપવાનું બંધ કરી દેવાથી તેના અભાવે તેમના મૃત્યુ થશે એવી નારાજગી પણ જૈન સમાજે વ્યક્ત કરી છે. ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આમાં મધ્યસ્થી કરવી પડી હતી અને તેમણે કબૂતરખાનાને સંપૂર્ણપણે બંધ કરવાને બદલે અમુક સમયે ખાદ્ય પદાર્થ આપી શકાય કે તે બાબતે વિચાર કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
આપણ વાંચો: દાદર કબૂતરખાનાનો મુદ્દો બન્યો સાંપ્રદાયિક મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું
આ દરમ્યાન પાલિકાએ કબૂતરોને ખાદ્ય પદાર્થ આપવા પર પ્રતિબંધ મૂકયા બાદ જીવદયા પ્રેમીઓ કોર્ટમાં ગયા હતા અને તેના પર ૧૩ ઑગસ્ટના થયેલી સુનાવણી દરમ્યાન કબૂતરોને ખાદ્ય પદાર્થ આપવાના પાલિકાના પ્રતિબંધે હાઈ કોર્ટે કાયમ રાખ્યો હતો. જોકે દાદરના કબૂતરખાના પાસે કબૂતરોને દરરોજ સવારના છથી આઠના સમયગાળામાં ખાદ્ય પદાર્થ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પાલિકાએ હાઈ કોર્ટને આપી હતી.
એ સમયે પાલિકાએ કોઈ પણ મંજૂરી આપતા પહેલા તે બાબતે જાહેર સૂચના કાઢવી અને પ્રસ્તાવ પર વાંધા અને સૂચનો મગાવ્યાં બાદ જ કબૂતરોેને સવારના બે કલાક ખાદ્ય પદાર્થ આપવાનો નિર્ણય લેવો એવો આદેશ આપવામાં આવ્યો હતો. તે મુજબ પાલિકાએ હવે કબૂતરોને નિયંત્રિત માત્રામાં ખાદ્ય પદાર્થ આપવા બાબતે નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યાં છે.
આપણ વાંચો: કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું
વાંધા અને સૂચનો ફકત દસ દિવસ સુધી કરી શકાશે. નાગરિકોને સોમવારે ૧૮ ઑગસ્ટથી શુક્રવાર ૨૯ ઑગસ્ટ,૨૦૨૫ વાંધા અને સૂચનો આપી શકશે એવી અપીલ પાલિકાએ કરી છે.
બોકસ
અહીં વાંધા-સૂચનો મોકલી શકો છો
નાગરિકો વેબસાઈટ પર આપેલી અરજી પર ક્લીક કરીને કબૂતરખાનાના ઠેકાણે નિયંત્રિત માત્રામાં અને નક્કી કરેલા સમયમાં કબૂતરોને કંટ્રોલ ફીડિંગ અથવા તે બાબતે અન્ય મુદ્દા પર વાંધા અને સૂચનો આપી શકે છે. https://portal.mcgm.gov.in/irj/portal/anonymous?guest_user-english આ ઈમેલ આઈડી પર ૧૮ ઑગસ્ટથી ૨૯ ઑગસ્ટ સુધી મોકલી શકાશે.