બે દાયકા બાદ મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ આગળ વધશે
મુંબઈ: મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫ના થયેલી અતિવૃષ્ટિ બાદ અંધેરી અને માહુલમાં મોગરા નાળા ખાતે પમ્પિંગ સ્ટેશનનું લાંબા સમયથી રાહ જોવાતુંં કામ લગભગ બે દાયકા બાદ આખરે આગળ વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં બોમ્બે હાઈ કોર્ટમાં મોગરા પમ્પિંગ સ્ટેશન માટેની વિવાદિત જમીન માટે ૩૩ કરોડ રૂપિયા ભર્યા છે. વધુમાં ચેમ્બુરમાં માહુલ પમ્પિંગ સ્ટેશન માટેની મીઠાના આગારની જમીન છે તેનું પણ બહુ જલદી સંપાદિત કરવામાં આવવાનું છે.
મુંબઈમાં ૨૦૦૫માં આવેલા વિનાશક પૂર બાદ ચિતળે સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ આઠ પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાંથી આ બે પમ્પિંગ સ્ટેશન માટે જમીન સંપાદન કરવામાં પાલિકાના સતત અવરોધો આવ્યા હતા. મોગરા પમ્પિંગ સ્ટેશન માટે ૨૦૨૧માં ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું ત્યારે બે ખાનગી પક્ષો વચ્ચે જમીનની માલિકી અંગેના કાયદાકીય વિવાદોને કારણે જમીન સંપાદનમાં વિલંબ થયો હતો. તો માહુલ પમ્પિંગ સ્ટેશનના પ્રકરણમાં આ વિસ્તારની જમીનની માલિકી ધરાવતી ભારત સરકારની સંસ્થા સોલ્ટ કમિશનર સાથે સંકલન કરવાના પાલિકાના પ્રયત્નો છતાં સંપાદન પ્રક્રિયાઓ સતત અવરોધનો સામનો કરવો પડયો હતો.
મોગરા પમ્પિંગ સ્ટેશન અંધેરીમાં વરસાદનાં ભરાતાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્ત્વનો પ્રોજેક્ટ છે. સુધરાઈને જમીન માટે ૩૩ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપામાં આવ્યો હતો, તે મુજબ તેણે પૈસા ભરી દીધા છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પૈસા હાઈ કોર્ટમાં ભરી દીધા હોવાથી હવે કામ આગળ વધશે. આ પ્રોજેક્ટને પૂરો થવામાં ૨૪ મહિનાનો સમય લાગશે. લગભગ ડિસેમ્બર, ૨૦૨૬માં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Also read: અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ ને બહાને યુવાનો સાથે ઠગાઇ: બે જણ પકડાયા…
માહુલ પમ્પિંગ સ્ટેશન માટે મીઠાના આગારની જમીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે. સોલ્ટ કમિશનરેટની પોલિસી મુજબ જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ માટે સોલ્ટ પૅન (મીઠાના આગાર)ની જમીનનો ઉપયોગ કરી શકાય છે. તે મુજબ પાલિકાને જમીન મળશે અને તે માટે પાલિકા તેમને જમીનનું સંપાદન કરવા માટે ૫.૮ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. આ પંમ્પિગ સ્ટેશનને કારણે કુર્લા, સાયન, માટુંગા અને ચેંબુરમાં ચોમાસામાં ભરાતાં વરસાદનાં પાણીથી રાહત મળશે.
ચોમાસામાં ભરતી દરમ્યાન દરિયાનાં પાણીને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે ફ્લડગેટ બંધ કરવામાં આવે છે. આ પમ્પિંગ સ્ટેશનના પંપથી પાણી ડ્રેનેજ લાઈન મારફત દરિયામાં અંદર છોડવામાં આવે છે. જુહુનું ઈર્લા પમ્પિંગ સ્ટેશન ૨૦૧૦માં ચાલુ કરવામાં આવેલું પહેલું પમ્પિંગ સ્ટેશન હતું, ત્યારબાદ હાજી અલી, ક્લેવલેન્ડ, વરલીમાં લવગ્રોવ અને રે રોડમાં બ્રિટાનિયા અને ખાર દાંડામાં ગજધરબંધ બાંધવામાં આવ્યા હતા. માહુલ પમ્પિંગ સ્ટેશન લગભગ ૩૫૦ કરોડ રૂપિયા અને મોગરા પમ્પિંગ સ્ટેશન પાછળ લગભગ ૩૯૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે.