આમચી મુંબઈ

કાટમાળ માટે ‘ડેબ્રીઝ ઓન કોલ’ ઓનલાઈન સેવા આપનારો દેશનો પહેલો પ્રોજક્ટ પાલિકા 500 કિલો સુધીનો કાટમાળ મફત લઈ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તા પર ગમે ત્યાં કાટમાળ (ડેબ્રીજ) ફેંકવાના બનાવ રોકવા માટે બીએમસીએ ચાલુ કરેલી ‘ડેબ્રીઝ ઓન કોલ’ સેવા હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે. ‘માયબીએમસી’ મોબાઈલ ઍપના માધ્યમથી ઓનલાઈન સેવા ૨૪ કલાક ઉપલબ્ધ થશે. કાટમાળ માટે ઓનલાઈન સેવા આપનારો દેશનો સૌથી પહેલો પ્રોજેક્ટ હોવાનો દાવો બીએમસીએ કર્યો છે. નાગરિકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સેવામાં ૫૦૦ કિલોગ્રામ સુધીનો કાટમાળ મફત અને એનાથી વધુ કાટમાળ માટે ફી ચૂકવવી પડશે.
મુંબઈમાં મોટા પ્રમાણમાં રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે. અંધારાનો લાભ લઈને હાઈવેની બંને તરફ તથા રસ્તા પર ગમે ત્યાં કાટમાળ ફેંકવામાં આવે છે. નાગરિકો પણ ઘરમાં રિનોવેશનના કામ કરાવે ત્યારે કાટમાળનો ગમે ત્યાં નિકાલ કરે છે. તે રોકવા માટે સુધરાઈએ ‘ડેબ્રીઝ ઓન કોલ’ સેવા ૨૦૧૪ની ચાલુ કરી હતી, જેમાં ફોન કરે તો મામૂલી ચાર્જ વસૂલીને કાટમાળ ઊપાડી જવામાં આવે છે.

‘માયબીએમસી’ મોબાઈલ ઍપના માધ્યમથી બહુ જલદી હવે આ સેવા ઓનલાઈન ૨૪ કલાક મળશે, જેમાં ‘ડેબ્રીઝ ઓન કોલ’ પર્યાય પર ક્લીક કરવાનું રહેશે. અહીં મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગર માટે તો પશ્ર્ચિમ ઉપનગર માટે બીજો એમ બે પર્યાય હશે. યોગ્ય પર્યાય પસંદ કર્યા બાદ ‘ડેબ્રીઝ ઓન કોલ’થી સંબંધિત સ્વતંત્ર મોબાઈલ ઍપ ઈન્સ્ટોલ કરી સકાશે. અહીં ઍપમાં માહિતી ફીડ કર્યા બાદ કામ આગળ વધશે. કાટમાળ ભેગો કરવાથી લઈને પ્રક્રિયા સુધીની ઓનલાઈન સિસ્ટમ દ્વારા આ ઉપક્રમ સુધરાઈ અમલમાં મૂકવાની છે. પૂરા દેશમાં આ પ્રકારનો ‘ઓનલાઈન’ સેવા આપનારો આ પહેલો પ્રોજેક્ટ છે. પ્રતિદિન ૧,૨૦૦ ટન પ્રક્રિયા આ ક્ષમતા ધ્યાનમાં લેતા મહારાષ્ટ્રનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.

સુધરાઈના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટમાં ૫૦૦ કિલોગ્રામ સુધીનો કાટમાળ મફતમાં ઊપાડવામાં આવશે. તેનાથી વધુ કાટમાળ માટે સુધરાઈને પૈસા ચૂકવવાના રહેશે. તે માટે નાગરિકો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. તેથી ઘરમાંથી તથા નાના સ્તરે કાટમાળ જમા કરવાનું પ્રમાણ તો વધશે તેમ જ ગેરકાયદે રીતે કાટમાળ ગમે ત્યાં ફેંકવાનું પ્રમાણ પણ બંધ થશે. જમા કરેલા કાટમાળ પર સાયન્ટિફિકલી પ્રક્રિયા કરીને તે કાટમાળ પર પુર્નપ્રક્રિયા કરીને તેનો ઉપયોગ કરી શકાય તે માટે આ સેવા વધુ ઝડપી બનાવવા તેને ઓનલાઈન બનાવવામાં આવી એવો દાવો પાલિકાએ કર્યો હતો.

"BMC workers collecting debris as part of free pickup service in Mumbai"

શહેર અને ઉપનગર માટે ટોલ ફ્રી નંબર

અત્યાર સુધી ઘરમાંથી તથા નાના સ્તરે બાંધકામ અને સમારકામ દરમ્યાન નીકળતા કાટમાળ માટે વોર્ડ સ્તરે પાલિકાની ઓફિસમાં ફોન કરવામાં આવતો હતો. હવે તેને બદલે ‘ડેબ્રીઝ ઓન કોલ’ માટે મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગર માટે ૧૮૦૦-૨૦૨-૬૩૬૪ અને પશ્ર્ચિમ ઉપનગર માટે ૧૮૦૦-૨૧૦-૯૯૭૬ આ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, જે સવારના આઠ વાગ્યાથી સાંજના આ વાગ્યા સુધી ચાલુ રહેશે.


Also read: કર્ણાક બ્રિજ પાંચ જૂનને ખુલ્લો મુકાશે રેલવેએ બ્લોક આપ્યો તો 428 મેટ્રિક ટનના બીજા ગર્ડરને 19 જાન્યુઆરી સુધી બેસાડવાનું આયોજન


૨૦ વર્ષ માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક

‘ડેબ્રીઝ ઓન કોલ’ સેવા માટે પાલિકાએ ૨૦ વર્ષ માટે કૉન્ટ્રેક્ટર નીમ્યો છે. કાટમાળ ભેગો કરવાથી લઈને તેનું ટ્રાન્સર્પોટેશન, તેના પર સાયન્ટિફિકલી પ્રક્રિયા કરવાથી લઈને તે માટે જગ્યા મેળવીને પ્રોજેક્ટ ઊભો કરવો, મનુષ્ય બળ અને મશીન ઊભા કરવા જેવા કામ કૉન્ટ્રેક્ટરના રહેશે. મુંબઈ શહેર (કોલાબાથી સાયન) અને પૂર્વ ઉપનગરમાં (કુર્લાથી મુલુંડ) માટે મેસર્સ વેસ્ટ હેન્ડલિગ પ્રાઈવેટ લિમિટેડને નીમવામાં આવ્યો છે. તેનો પ્રોજેટ શિળફાટા, ડાયઘર ગામમાં રહેશે. પ્રોજેક્ટની પ્રક્રિયા ક્ષણતા ૬૦૦ ટન પ્રતિદિનની રહેશે. પશ્ર્ચિમ ઉપનગર (બાન્દ્રાથી દહિસર) માટે મેસર્સ એજી એનવ્હાયરો ઈન્ફ્રા પ્રા. લિ.)ને નીમવામાં આવ્યો છે, તેનો પ્રોજેક્ટ દહિસરના કોંકણીપાડામાં પાંચ એકર જગ્યા પર છે. પ્રોજેક્ટની પ્રક્રિયા ક્ષમતા ૬૦૦ ટન પ્રતિદિનની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button