આજે ૧,૭૦૦ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થશે રાજકીય પક્ષોનો બળવાખોરો મતોનું વિભાજન કરશે…

બળવાખોરો નિર્ણાયક ભૂમિકામાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ નવ વર્ષ બાદ મુંબઈ મહાનગરપાલિકાની આજે યોજાઈ રહેલી ચૂંટણીમાં મુંબઈના ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૨૨૭ બેઠકો માટે પોતાના નગરસેવક ચૂંટશે. મોટા રાજકીય પક્ષો સહિત અપક્ષના કુલ ૧,૭૦૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ઉમેદવારોનું ભવિષ્ય આજે મતપેટીમાં સીલ થશે.
જોકે ૧,૭૦૦માંથી સ્વતંત્ર રીતે લડી રહેલા ૫૩૫ ઉમેદવારમાંથી અમુક બળવાખોરો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણીને પક્ષને જ પડકાર ફેંક્યો છે. અપક્ષ અને બળવાખોરોને કારણે મતોનું વિભાજન થવાથી મોટા પક્ષોના ઉમેદવારોને ફટકો પડવાની ભારોભર શક્યતા છે.
રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડનારા પક્ષના બળવાખોરો મતોનું વિભાજન કરીને ચૂંટણીના રિઝલ્ટમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. પાલિકાની ચૂંટણીમાં અનેક વખત અપક્ષ ઉમેદવારો નિર્ણાયક ખેલાડી બની જતા હોય છે. અપક્ષ ઉમેદવારો પાસે મોટા પક્ષની મશીનરીનો અભાવ હોય છે પણ તેઓ મજબૂત સ્થાનિક નેટવર્ક અને સ્થાનિક રહેવાસીઓ સાથે પાયાનું જોડાણ ધરાવતા હોય છે.

મોટા પક્ષોથી ઉદાસિન અને નારાજ રહેલા મતદારો સાથે અપક્ષ ઉમેદવારો સીધા સંપર્કમાં પણ હોય છે. તેમની હાજરી અનેક વખત મુખ્ય પક્ષોને તેમની વ્યૂહરચનામાં સુધારો કરવા અને સ્થાનિક મુદ્દાઓને વધુ ઊંડાણપૂવર્ક અભ્યાસ કરવાને મજબૂર કરતા હોય છે.
મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ૫૩૫ અપક્ષ ઉમેદવાર છે, તેમાં રાજકીય પક્ષોએ તેમના પક્ષના કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપતા પક્ષપલટો કરીને આવેલા લોકોને ટિકિટ આપી દેતા નારાજ થયેલા ઈચ્છુકોએ બળવાખોરીને અપક્ષ રીતે ચૂંટણી લડી રહ્યા છે.
મુંબઈમાં આ વખતે ઘાટકોપર પૂર્વ વોર્ડ નંબર ૧૨૫ (રમાબાઈ નગર)માં સૌથી વધુ ૨૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમા અપક્ષ ઉમેદવારોની સંખ્યા જ ૧૧ છે. વોર્ડ નંબર ૧૪૩ મહારાષ્ટ્રનગરમાં પણ ૧૦ અપક્ષ ઉમેદવાર છે. તો બીજા વોર્ડમાં પણ આઠ અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. જોકે ૨૦૧૭ની પાલિકાની ચૂંટણીમાં ૭૧૦ અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા, તેના કરતા આ વખતે અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઓછી છે.
આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા ૨૦૧૭ કરતા ઓછી છે, છતાં અપક્ષ રીતે લડી રહેલા બળવાખોરો પક્ષના પરંપરાગત વોટ બેન્કને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ચૂંટણી વધુ તીવ્ર સ્પર્ધા બની રહશે અને સત્તાવાર ઉમેદવાર માટે પણ જબરો પડકાર બની રહે એવી શક્યતા છે, જેમાં ઉદાહરણ તરીકે વોર્ડ નંબર ૯૫માં શિવસેના-મનસેના સત્તાવાર ઉમેદવારને બળવાખોર ઉમેદવારને કારણે ફટકો પડી શકે છે.
વોર્ડ ૧૦૯ ભાંડુપમાં ભૂતપૂર્વ નગરસેવકે ભાજપે ટિકિટ નહીં આપતા બળવો કરીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડતા ભાજપ-શિંદેની યુતિના ઉમેદવારને અસર થઈ શકે છે. આવા તો અનેક બળવાખોર ઉમેદવારોને ચૂંટણીના રિઝલ્ટને અસર કરી શકે છે.
આંકડાબાજી
કુલ મતદાર ૧,૦૩,૪૪,૩૧૫
પુરુષ મતદાર ૫૫,૧૬,૭૦૭
મહિલા મતદાર ૪૮,૨૬,૫૦૯
અન્ય ૧,૦૯૯
પાત્ર અંતિમ ઉમેદવાર
કુલ ૧,૭૦૦
પુરુષ ૮૨૨
મહિલા ૮૭૮
મતદાન કેન્દ્ર માહિતી
મતદાન સ્થળ ૨,૨૭૮
પોલિંગ બુથ ૧૦,૨૩૧



