આમચી મુંબઈ

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી પર લાગ્યું ગ્રહણ, નાગિરકોને માસ્ક પહેરીને મતદાન કરવાની અપીલ, કારણ જાણીને…

મુંબઈઃ આશરે નવ વર્ષ બાદ યોજાઈ રહેલી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આવતીકાલે એટલે કે 15મી જાન્યુઆરીના મતદાન અને 16મી જાન્યુઆરીના ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. મતદારો અને રાજકીય પક્ષોના કાર્યકર્તામાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મતદાતાઓ સામે ગંભીર સંકટ સામે આવીને ઊભું રહી ગયું છે. આ સંકટ એટલે શહેરમાં સતત વધી રહેલું પ્રદૂષણ અને કથળી રહેલી હવાની ગુણવત્તા. તમે પણ આવતીકાલે મતદાન કરવા જવાના હોવ તો આ સમાચાર ચોક્કસ વાંચી લો, જેથી તમે કોઈ મુશ્કેલીમાં ના મૂકાવ…

મુંબઈ અને આસપાસમાં શહેરોમાં છેલ્લાં કેટલાક સમયથી વાયુ પ્રદૂષણની સમસ્યા સતાવી રહી છે અને એની અસર આવતીકાલે થનારા મહાપાલિકાની ચૂંટણીના મતદાન પર પણ જોવા મળી શકે છે. પરિણામે મુંબઈગરાને આવતીકાલે મતદાનની ફરજ બજાવવા જતાં સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

મુંબઈ શહેર અને ઉપનગરમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં લઈને મતદાન કરવા જતી વખતે માસ્ક પહેરવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. આ સિવાય મતદાન કરવા જનારા મતદાતાઓએ હાઈડ્રેટેડ રહેવા માટે મતદાતાઓને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં તૈયાર થયેલા ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈ સહિત રાજ્યભરના હવામાનમાં છેલ્લાં કેટલાક દિવસથી પલટો જોવા મળ્યો છે. મુંબઈ સહિત હવામાં ધૂળના રજકણો અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. ધુમ્મસ અને હવામાં રહેલાં પ્રદૂષકોને કારણે 500 મીટરના અંતર પછી જોવામાં મુશ્કેલી પડી રહી છે.

મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને વોટ કાઉન્ટિંગના દિવસે પણ વાતાવરણ આવું જ રહેવાનું હોવાથી નાગરિકોને માસ્ક વાપરવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક પહેર્યા વિના મતદાન કરવું નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરી શકે છે એવી શક્યતા પણ નકારી શકાય એમ નથી.

13મી જાન્યુઆરીના મુંબઈમાં વિઝિબિલિટી ખૂબ જ ડાઉન હતી અને સતત વધી રહેલાં પ્રદૂષણને કારણે મુંબઈ હવાની ગુણવતા સુધારવા માટે કોર્ટની સૂચના પ્રમાણે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા તપાસ ટીમની સ્થાપના કરવામાં આવી છે. જે સ્થિતિ પર સતત વોચ રાખી રહી છે.

આગામી સમયમાં મુંબઈ મહાનગર પાલિકામાં મતદારોએ ચૂંટેલો જે રાજકીય પક્ષ સત્તામાં આવશે તે માયાવી નગરી તરીકે ઓળખાતી મુંબઈની આ સમસ્યાનો કઈ રીતે અને શું ઉકેલ લાવે છે એ પણ એક મહત્ત્વનો સવાલ છે. ખેર, આપણે મતદાન કરતી વખતે સાવધાની રાખીએ અને વિકાસના પંથે પ્રયાણ કરીએ…

આ પણ વાંચો…BMC Election 2026: મતદાર યાદીમાં નામ છે કે નહીં? આ રીતે મિનિટોમાં ચેક કરો અને મતદાનની ફરજ બજાવો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button