‘મતદારો મૂંઝવણમાં’કોને મત આપવો?

પક્ષને કે પક્ષ પલટો કરનારા ઉમેદવારોને
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં કદાચ આ વખતની ચૂંટણી સૌથી અનોખી બની રહેવાની શક્યતા છે, જેમાં મુંબઈના મોટાભાગના મતદારો ચૂંટણીમાં વોટ કોને આપવો એને લઈને દ્વિધામાં છે. પક્ષને વફાદાર રહીને તેમને મત આપવો કે પછી વર્ષોથી જે લોકો તેમની સમસ્યાને વાચા આપતા હતા તેમને વોટ આપવો?
ચૂંટણીમાં કયો ઉમેદવાર કયાથી લડી રહ્યો છે, કયા પક્ષમાંથી લડી રહ્યો છે અને મત કોને આપવો એને લઈને મતદારો ભારે મૂંઝવણમાં છે. મતદારોને તો મત કોને આપવો એને લઈને માથમુ ખંજવાળી રહ્યા છે, પણ પક્ષ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓની તકલીફ તો એનાથી પણ મોટી છે. પ્રચાર પક્ષ માટે કરવો કે પક્ષપલટો કરીને બીજા સાથે જોડાઈ ગયેલા પોતાના સાથીદાર માટે કરવો.
આ વખતની ચૂંટણી દરેક રીતે અલગ બની રહેવાની છે. વર્ષોથી ભાજપ-શિવસેના સાથે મળીને કૉંગ્રેસને સત્તાથી આવવા માટે રોકતા હતા પણ હવે રાજકીય તખતા પર આખું પિકચર જ બદલાઈ ગયું છે. શિવસેનાનું વિભાજન થયા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની સેના અને એકનાથ શિંદેની એમ બે શિવસેના બની ગઈ છે.
ભાજપ ઉદ્ધવને બદલે શિંદેની શિવસેના સાથે યુતિ કરીને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહી છે. તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)માં ભંગાણ પડતા કાકા-ભત્રીજાની બે અલગ અલગ એનસીપી થઈ ગઈ છે. તેથી હાલ ચૂંટણીના મેદાનમાં દેશના બે મોટા પક્ષ કૉંગ્રેસ, ભાજપની સાથે જ બે શિવસેના અને બે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને મનસે થઈ ગઈ છે, જેમાં ભાજપ-શિંદે સેના સાથે તો કૉંગ્રેસ એકલા ચલોની નીતિ અમલમાં મૂકી છે તો ઉદ્ધવની સેના અને મનસેની સાથે શરદ પવારની રાષ્ટ્રવાદીએ યુતિ કરીને તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
રાજકીય પક્ષોની એકબીજા સાથે યુતિને કારણે મુંબઈગરાના મગજ ચકરાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. અત્યાર સુધી ઉદ્ધવ અને રાજ ઠાકરેની મનસે એકબીજા વિરુદ્ધ લડી રહ્યા હતા અને હવે બંને ભાઈઓ મરાઠી માણૂસના નામે સાથે ચૂંટણી લડી રહ્યા છે. તો ધનુષ્યબાણના નિશાન સાથેની શિંદેની શિવસેના તેમની જ સેના બાળઠાકરેના વિચારધારા સાથેની સાચ્ચી શિવસેના છે અને મરાઠી માણૂસની હિત સાધનારી છે, તેથી તેઓ જ મરાઠી માણૂસના મતના ખરા હકદાર છે. મરાઠી મતદારો હવે ઠાકરે ભાઈઓને સાથ આપે કે શિવસેનાના ધનુષ્યને મત આપે તેની મૂંઝવણ સતાવી રહી છે.
તો હંમેશાંની માફક જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારને પાર્ટીએ ટિકિટ નહીં આપતા પક્ષ સામે બળવો કરીને અપક્ષ ઝુકાવનારાઓનું અને યુતિ સાથેનો ધર્મ નિભાવવા પક્ષના સિનિયરોએ બેઠક પોતાના સાથીપક્ષને આપી દેતા વર્ષો સુધી પક્ષને નિષ્ઠાવાન રહ્યા બાદ પણ ટિકિટ નહીં મળતા પક્ષને ટાટા-બાય બાય કરીને બીજા પક્ષમાં છેલ્લી ઘડીએ પ્રવેશ કરીને તેમાંથી મિનિટોમાં ટિકિટ મેળવીને ચૂંટણીના મેદાનમાં ઊતરેલા ઉમેદવારોનું પ્રમાણ વધુ છે.
પક્ષમાં ટિકિટ નહીં મળતા બળવો કરનારા અને પક્ષપલટો અને આયાતી ઉમેદવાર જેવા ચક્કરમાં કયા પક્ષનો કોણ ઉમેદવાર છે? અને તેમની માટે વર્ષો સુધી કામ કરનારો તેમનો લોકપ્રતિનિધિ હવે કયા પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યો છે જેવી બાબતોને લઈને મતદારો ભારે ગૂંચવાઈ ગયા છે.
કાર્યકર્તાઓ પણ મૂંઝવણમાં
મુંબઈગરા તો કોને મત આપવો તેને લઈને વિચારી વિચારીને થાકી ગયા છે, પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓની હાલત સૌથી વધુ કફોડી થઈ ગઈ છે. પક્ષની વિચારધારાને વફાદાર લઈને આયાતી ઉમેદવારો માટે ચૂંટણીમાં પ્રચાર કરવો કે પછી પક્ષ માટે પોતાની જાતને ઘસી નાખ્યા બાદ પણ ટિકિટ નહીં મળતા તેમના સાથીદારોએ અન્ય પક્ષમાં પ્રવેશ કરીને ચૂંટણી લડે છે તેમને સાથ આપવો એ સમસ્યા તેમને મૂંઝવી રહી છે.
આ પણ વાંચો…રાજ્યમાં ૩૩,૬૦૬ અને મુંબઈમાં ૨,૫૧૬ ઉમેદવારોએ ભર્યા ફોર્મ



